ગુજરાતના 2026-27ના બજેટ વિશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ શું કહ્યું? જાણો
ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – Gujarat’s budget for 2026-27 ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ ના મંત્રને જ અનુસરતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે. આ બજેટ સાડા 6 કરોડ ગુજરાતની જનતાની આશાઓનું પ્રતિબિંબ છે, જેમાં ગયા વર્ષ કરતા 10.2% નો વધારો કરવામાં આવ્યો છે. કોઈપણ નવા કરવેરા વગરનું આ બજેટ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને વેગ આપશે તેમ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે જણાવ્યું હતું. પક્ષના પ્રદેશ કાર્યાલય ‘કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે વર્ષ 2026-27 ના બજેટ સંદર્ભે પત્રકાર પરિષદ સંબોધી હતી.
દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો
સાહસ અને શૌર્યના પ્રતીક એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે તેમને વંદન કરવા સાથે જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2% છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60% થી પણ વધારે છે અને દેશમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. બજેટમાં સમાજના દરેક વર્ગ, ‘જ્ઞાન’ (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બજેટ 2047 ના વિકસિત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા માટે ‘ક્વોન્ટમ જમ્પ’ સમાન છે.
તમામ વર્ગો માટે બજેટમાં યોગ્ય ફાળવણી
તેઓએ કહ્યું કે, ગરીબ અને શ્રમિક કલ્યાણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3.15 લાખ નવા આવાસની જાહેરાત કરવામાં આવી છે. 75 લાખ કુટુંબોને મફત અનાજ, 50 નવા ધનવંતરી આરોગ્ય રથ અને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 121 નવા કેન્દ્રો દ્વારા માત્ર ₹5 માં પૌષ્ટિક ભોજન ની સુવિધા આપવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રે પીએમ જન આરોગ્ય અને મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે.
શ્રમયોગીઓના ઉત્કર્ષ માટે ₹260 કરોડની અલગ જોગવાઈ કરવામાં આવી છે. યુવા શક્તિ માટે બજેટમાં ‘ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ માટે ₹226 કરોડ ફાળવાયા છે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના થશે, જેથી યુવાનોમાં રિસર્ચની જિજ્ઞાસા વધે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદના i-Hub ના તર્જ પર સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે રીજનલ સેન્ટર સ્થાપવામાં આવશે.
શિક્ષણ, યુવાનો, મહિલા વર્ગ માટે ફાળવણી
જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે 16 નવી સરકારી કોલેજો, 926 નવી પીએમ શ્રી શાળાઓ અને ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અત્યાધુનિક લાઈબ્રેરી બનશે. 2,000 જેવી નવી આંગણવાડીઓ માટે ₹360 કરોડની જોગવાઈ કરાઈ છે અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ₹400 કરોડ ફાળવાયા છે. ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે કૃષિ રાહત પેકેજમાં ₹11,000 કરોડથી વધુની ફાળવણી કરી છે.
18,000 કરોડથી વધુની કિંમતના (મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસ) ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદીની વાત કરાઇ છે. કિસાન ક્રેડિટ અંતર્ગત વ્યાજ સહાય માટે ₹1,539 કરોડ ફાળવાયા છે. એક ઐતિહાસિક નિર્ણય મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી અવિભાગ્ય શરતની જમીનો હવે સ્વમેળે જૂની શરતની ગણાશે, જેનાથી ખેડૂતોને પ્રીમિયમમાંથી મુક્તિ મળશે. પશુપાલકો માટે ચાર ઝોનમાં બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાની પણ જાહેરાત કરાઈ છે.
તેમણે કહ્યું કે, નારી સશક્તિકરણ અંતર્ગત ‘લખપતિ દીદી‘ અભિયાન અને આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી ‘કૌશલ્ય લક્ષ્મી યોજના’ જાહેર કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજનાના કારણે ધોરણ 9 થી 12 ના પ્રવેશમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આદિવાસી વિકાસ માટે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતી નિમિત્તે ₹35,000 કરોડથી વધુ ની માતબર રકમ ફાળવવામાં આવી છે.
આદીજાતિ કલ્યાણ માટે વિશેષ ધ્યાન અપાયું
આદિવાસી વિસ્તારોમાં ઉદ્ધવન સિંચાઈ યોજના અને 5 નવી જીઆઈડીસી સ્થાપીને રોજગારીની તકો ઉભી કરવામાં આવશે. અનુસૂચિત જાતિ/જનજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની આવક મર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી છે.
તેઓએ વધુ માહિતી આપતા કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે શહેરોનું ભારણ ઘટાડવા કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસર એમ 5 નવા સેટેલાઈટ ટાઉન વિકસાવવામાં આવશે. 1,155 કિમીનો ‘ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર’ અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે નિર્માણ પામશે.
‘વિકસિત ગુજરાત ફંડ’ માટે ₹50,000 કરોડની અલાયદી જોગવાઈ કરાઈ છે. ગ્રીન ગ્રોથ માટે કડાણા ડેમ પર ફ્લોટિંગ સોલાર અને ‘ડમ્પ ફ્રી ગુજરાત’ માટે 253 મેટ્રિક ટન કચરાના નિકાલની વ્યવસ્થા કરાશે. ઉદ્યોગો માટે 25 GIDC ને સ્માર્ટ બનાવાશે અને 120 મીની GIDC નું નવીનીકરણ કરાશે.
આ પણ વાંચોઃ રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ સરહદી ગામોની સુરક્ષા સમીક્ષા માટે કચ્છ જશે
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના પ્રયાસોથી અમદાવાદને ‘કોમનવેલ્થ ગેમ્સ’ ની યજમાની મળી છે. આ માટે શહેરને ‘ઓલિમ્પિક રેડી’ બનાવવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ માટે ₹1,200 કરોડ ફાળવાયા છે. પ્રવાસન ક્ષેત્રે વર્ષ 2026 ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ જાહેર કરાયું છે અને સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ બનાવાશે.
ટેકનોલોજીમાં AI અને ડિજિટલ ગવર્નન્સ માટે ₹850 કરોડ અને ‘વિકસિત ગુજરાત @2047’ ના લક્ષ્ય માટે ‘GRIT’ સંસ્થાની રચના કરાઈ છે. જગદીશભાઈ વિશ્વકર્માએ આ બજેટને ટેલેન્ટ, ટેકનોલોજી, ટ્રાન્સફોર્મેશન, ટુરિઝમ, ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી (6-T) પર આધારિત ગણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતનું અંદાજપત્ર રજૂ કરવા માટે જે પોથી પસંદ કરવામાં આવી તેનું વિશેષ મહત્ત્વ, જાણો એ શું છે?
તેમણે અંતમાં ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનાર, વિકાસની ધારાથી કોઈ પણ વર્ગ બાકાત ન રહી જાય તે માટે સર્વસ્પર્શી, સર્વસમાવેશી અને સર્વ સુખાય સર્વ હિતાયના મંત્ર સાથે આ બજેટ આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈને ગુજરાત પ્રદેશ ભાજપ અને સાડા 6 કરોડ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા હતા. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રીઓ પ્રશાંતભાઈ કોરાટ, અનિરુદ્ધભાઈ દવે તથા પ્રદેશના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


