Site icon Revoi.in

જનતા માંગણી કરે કે ન કરે, સમસ્યા ઉકેલવાની કાર્યસંસ્કૃતિ વિકસાવી છેઃ અમિત શાહ

Social Share

અમદાવાદ 28 ડિસેમ્બર 2025: Development works worth Rs 330 crore inaugurated in Ahmedabad કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 330 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તેમજ નવી વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, “હૃદયને આનંદ થાય એવો આ નાનકડો પરંતુ અત્યંત મહત્વનો કાર્યક્રમ છે. 1973ની સાબરમતી પૂર દુર્ઘટનામાં જેમનું સર્વસ્વ નષ્ટ થયું હતું, તેવા નાગરિકોને આજે 50 વર્ષ બાદ પ્લોટની માલિકીનો અધિકાર મળ્યો છે. આવડા મોટા અમદાવાદ શહેરમાં 173 લાભાર્થીઓ સંખ્યાત્મક રીતે ઓછા લાગી શકે, પરંતુ તેમના માટે આ ક્ષણ અત્યંત ઐતિહાસિક અને ભાવનાત્મક છે.”

શાહે આ સંવેદનશીલ નિર્ણય બદલ સ્થાનિક જન પ્રતિનિધિ  અમિત ઠાકર, અમદાવાદના મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, પાંચ દાયકાથી ચાલતી સમસ્યાનું આજે કાયમી નિરાકરણ આવ્યું છે, જે સંવેદનશીલ શાસનની પ્રતિતિ કરાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના આશરે 15 લાખ નાગરિકો માટે અગાઉ ગટરના પાણીના નિકાલની કોઈ સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. વર્ષ 2000 થી 2005 દરમિયાન શેલા થી ચાંદખેડા સુધીના વિસ્તારો ઝડપથી શહેરીકરણ પામ્યા, પરંતુ સંપૂર્ણ ડ્રેનેજ વ્યવસ્થા વિકસાવવા માટે વિશાળ બજેટ અને લાંબા સમયની જરૂર હતી. કેટલીક જગ્યાએ ગટર ઉભરાતી સ્થિતિ જોઈને સંસદ સભ્ય તરીકે તેમને વ્યથા થતી હોવાનું  શાહે જણાવ્યું હતું.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ લોકો સારું અને સ્વસ્થ જીવન જીવી શકે તેવા વાતાવરણની રચના માટે અમૃત યોજના સહિત શહેરી વિકાસ યોજનાઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. અંદાજે રૂ. 400 કરોડના ખર્ચે 1200 થી 1800 એમ.એમ. વ્યાસની વિશાળ આર.સી.સી. પાઈપલાઈનો નાખવામાં આવી છે. જેના કારણે ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોના અંદાજે 15 લાખ નાગરિકોને ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.

 શાહે જણાવ્યું કે, “વર્ષો જૂની માંગણીઓ સંવેદનશીલતાની સાથે પૂર્ણ થવાનું મુખ્ય કારણ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છે. જનતા માંગણી કરે કે ન કરે, તેમ છતાં તેમની સમસ્યાનો ઉકેલ લાવવાની કાર્યસંસ્કૃતિ તેમણે ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં વિકસાવી છે.”

આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 2025નું વર્ષ વિદાય લઈ રહ્યું છે ત્યારે અમદાવાદ માટે આ વર્ષ વિકાસની હેલીનું અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ સાબિત થયું છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સામાન્ય નાગરિકોને રોટી, કપડા અને મકાન જેવી પાયાની જરૂરિયાતો સરળતાથી પૂર્ણ થાય તેવા સંકલ્પ સાથે સરકાર કાર્યરત છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહના પ્રયાસોથી ગાંધીનગર લોકસભા વિસ્તાર સૌથી હરિયાળો વિસ્તાર બન્યો છે. મિયાવાંકી પદ્ધતિએ ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક  વગેરેથી ગ્રીન કવર વધ્યું છે.

Exit mobile version