
2024માં અમે રહીએ કે ના રહીએ પરંતુ 2014 વાળા નહીં રહેઃ નીતિશ કુમારે BJP ઉપર કર્યા પ્રહાર
નવી દિલ્હીઃ બિહારમાં નીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડી નાખતા રાજકીય ગરમાવો આવ્યો છે, નીતિશ કુમારે એનડીએનો સાથ છોડ્યાં બાદ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ આરજેડી સહિતના પક્ષોની મદદથી ફરીથી સરકાર બનાવી છે. નીતીશ કુમારે ફરી એકવાર બિહારના 8મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના તેમના પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, વર્ષ 2024 અમે રહીએ કે ના રહીએ પરંતુ વર્ષ 2014 વાળા નહીં રહે.
વડાપ્રધાન પદના દાવા પર નીતિશ કુમારે કહ્યું કે, મારો કોઈ દાવો નથી. અમે જે પણ નિર્ણય લીધો છે તે અમારા પક્ષના સાથીઓ સાથે લીધો છે. જો કે, તેમણે ચોક્કસપણે કહ્યું કે, અમે વિપક્ષને ચોક્કસપણે મજબૂત કરીશું. નીતિશ કુમારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પર પણ ઈશારામાં નિશાન સાધીને કહ્યું હતું કે, તેમને લાગે છે કે વિપક્ષ ખતમ થઈ જશે, તો અમે લોકો આવી રહ્યાં છીએ વિપક્ષમાં, હકીકતમાં, ગત દિવસોમાં બિહારમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે દેશમાં પ્રાદેશિક પાર્ટીઓ ખતમ થઈ રહી છે જે બચી છે તે પણ ખતમ થઈ જશે. માત્ર ભાજપ જ બચશે. આ સાથે જ મંત્રીઓના શપથ ગ્રહણ પર નીતિશ કુમારે કહ્યું કે અમારી સરકાર બની ગઈ છે.
નીતિશ કુમારે કહ્યું, અમારી પાર્ટીના લોકોને પૂછો કે બધાનું શું થયું. હું 2020માં મુખ્યમંત્રી બનવા માંગતો ન હતો, પરંતુ મારા દબાણ કરીને મુખ્યમંત્રી બનવા કહેવામાં આવ્યું હતું. પછીના દિવસોમાં જે કંઈ થઈ રહ્યું હતું તે બધા જોઈ રહ્યા હતા. અમારા પક્ષના લોકોના કહેવાથી અમે અલગ થયા. “છેલ્લા દોઢ મહિનાથી અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ રહી ન હતી. અમારી સાથે ખોટું થઈ રહ્યું હતું. નીતિશ કુમારે કહ્યું કે 2020ની ચૂંટણીમાં જેડીયુ સાથે કેવું વર્તન કરવામાં આવ્યું. ભાજપ સાથે જવાથી અમને નુકસાન થયું છે.
દરમિયાન રાબડી દેવીએ કહ્યું કે, જે થયું તે બિહારના લોકો માટે ખૂબ સારું બન્યું છે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી દરેક જણ ખુશ છે. સૌથી મોટી વાત એ છે કે બિહારના લોકો ખુશ છે. આ સિવાય આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવે કહ્યું કે અમે યુવાનો માટે કામ કરવા માટે સરકારમાં આવ્યા છીએ.