Site icon Revoi.in

રાજકોટના પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘણે બે બચ્ચાને આપ્યો જન્મ

Social Share

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘણ કાવેરીએ વાઘ દિવાકર સાથે સંવનન બાદ 105 દિવસે બે  બાળ વાઘને જન્મ આપ્યો છે. હાલમાં વાઘણ કાવેરી તેના બચ્ચાં પાસે કોઇને પણ ફરકવા દેતી ન હોય આ બચ્ચાં નર છે કે માદા તે જાણી શકાયું નથી. ઝૂના કર્મચારીઓ વાઘણની સારીરીતે દેખરેખ રાખી રહ્યા છે. તેમજ વેટનરી ડોક્ટર અને તેની ટીમ સીસીટીવીના માધ્યમથી વાધણ કાવેરી પર નજર રાખી રહ્યા છે.

પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટ ડો.આર.કે.હિરપરાએ જણાવ્યું હતું કે, વર્ષ 2014-15 દરમિયાન વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ (છત્તીસગઢ)ને સિંહ જોડી 01 આપવામાં આવી હતી. જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાઘ નર દિવાકર, સફેદ વાઘણ યશોધરા તથા સફેદ વાઘણ ગાયત્રી આ૫વામાં આવ્યા હતા. રાજકોટ ઝૂમાં અત્યાર સુધીમાં નર વાઘ દિવાકર સાથે અલગ-અલગ માદા વાઘણના સંવનનથી કુલ 17 સફેદ બાળ વાઘનો જન્મ થયો છે. જેમાંથી સફેદ વાઘણ કાવેરીએ અત્યાર સુધીમાં કુલ 4 બચ્ચાંને જન્મ આપ્યો છે. તાજેતરમાં પણ સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી વધુ બે બાળ વાઘનો જન્મ થયો છે. હાલ માતા અને બચ્ચાં બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા અને બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં હાલ ઉનાળાની ગરમીમાં તમામ પ્રાણીઓને માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગિંક વાતાવરણ સફેદ વાઘ તથા એશિયાઇ સિંહને અનુકૂળ આવી જતાં સમયાંતરે ખૂબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ–02નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 10 થઈ છે. જેમાં નર-03, માદા-05 તથા બચ્ચાં-02નો સમાવેશ થાય છે. હાલ ઝૂમાં જુદી જુદી 65 પ્રજાતિઓના કુલ-592 વન્યપ્રાણી-પક્ષીઓ છે.

Exit mobile version