1. Home
  2. ગુજરાતી
  3. વઢવાણમાં શિયાળાના આગમન સાથે વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન
વઢવાણમાં શિયાળાના આગમન સાથે વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન

વઢવાણમાં શિયાળાના આગમન સાથે વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન

0
Social Share

અમદાવાદઃ પક્ષી તીર્થ વઢવાણામાં સાવ હળવા પગલે દેશી વિદેશી યાયાવર પક્ષીઓની પાપા પગલી થવા માંડી છે. વિશાળ શિયાળુ પક્ષી મેળાની પાંખાળી સૃષ્ટિના આ કાર્યવાહકોએ જોરશોર થી તૈયારી શરૂ કરી દીધી છે.        પક્ષી,પ્રકૃતિ અને વન્ય જીવોના ચાહક તસવીરકાર ડો.રાહુલ ભાગવત અને સીમા આભાળે એ વઢવાણા ખાતે જઈને આ પૂર્વ તૈયારીઓ નરી આંખે નિહાળીને સાપ જેવી લચકદાર ડોક વાળા એક સાથે ઉડતા બે સર્પગ્રિવ સહિત વિવિધ પક્ષીઓની રમણીય છબીઓ લીધી હતી.તેમનું અનુમાન છે કે દૂર દેશાવરોમાં થી અત્યાર સુધી 20  જેટલી પ્રજાતિઓના( યાયાવર અને સ્થાનિક )પક્ષીઓનું ઓછી સંખ્યામાં પ્રાથમિક આગમન થઈ ગયું છે.

માણસ ની મોટી મજબૂરી એ છે એને કોઈ દેશની સરહદ ઓળંગવા  માટે પાસપોર્ટ,વિઝા સહિત અનેક દસ્તાવેજી પુરાવાઓની જરૂર પડે છે.પક્ષીઓ અને વન્ય જીવો ને જાણે કે કુદરતે આ પ્રકારના  અદ્રશ્ય દસ્તાવેજો આજન્મ આપ્યાં છે એટલે આ પક્ષીઓ અનેક દેશોની સરહદ બિન્ધાસ્ત ઓળંગીને છેક વડોદરા જિલ્લાના વઢવાણા ના કાંઠે શિયાળામાં ધામો નાંખે છે.તેઓ હિમ જેવા ઠંડા પ્રદેશોમાં થી હૂંફાળો શિયાળો ગાળવા અને વંશ વૃદ્ધિ માટે પ્રજાવત્સલ સયાજી મહારાજે નિર્માણ કરેલા આ સદી જૂના જળાશય ના છીછરા, કાદવિયા કાંઠે(વેટલેન્ડ) બે થી ત્રણ મહિના રોકાણ કરે છે.

અહીં શિયાળામાં ભરાતા દેશી વિદેશી પંખીઓના સમૃદ્ધ મેળા અને પંખીઓ માટે ઉમદા પર્યાવરણ ધ્યાનમાં રાખીને આ સ્થળનો હવે મોભાદાર રામસર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ડો.રાહુલ જણાવ્યું હતું કે, મુલાકાતમાં થોડા પ્રમાણમાં અમને યુરોપિયન રોલર, સર્પગ્રીવ, કોમન કુક્કુ, પાન પટ્ટાઈ, શકરો, ટિલિયાળી બતક, નકટો,નાની સીસોટી બતક,ભૂરી પૂંછ પતરંગા, સાઇબેરીયન સ્ટોન ચેટ,રૂફસ ટેલ લાર્ક જેવા દેશી વિદેશી પક્ષીઓ કેમેરા ની આંખે જોવા મળ્યા હતા.સીમાબેન કહે છે કે શિયાળાની જમાવટ સાથે પક્ષીઓની સંખ્યા અને વિવિધતા વધશે.

પ્રખર પક્ષી અને વન્ય જીવ ચાહક ડો.રાહુલે અત્યાર સુધી ચાર રાજ્યોમાં પોતાના ખર્ચે 16 હજાર કિમી થી લાંબો પ્રવાસ કર્યો જે દરમિયાન 110 જેટલા ગામો અને 100 થી વધુ શાળાઓની મુલાકાત લઈને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ ને આપણી સ્વદેશી અને યાયાવર પક્ષી અને વન્ય જીવ સમૃદ્ધિ ની વ્યાપક માહિતી ચિત્રો અને પ્રવચનો દ્વારા આપી છે. ગામલોકોએ તેમના આ અભિયાનને દિલ થી આવકાર્યું એનો તેમનો આનંદ છે. આખરે આ મૂંગા દેવદૂતો ની સુરક્ષાનો સચોટ ઉપાય ભાવિ પેઢીને જાગૃત કરવાનો જ છે.

વઢવાણા વડોદરા માટે પ્રકૃતિ પ્રવાસન તીર્થ છે. એની કાદવિયા ભૂમિ અને આસપાસ નું વાતાવરણ સ્થાનિક અને દૂર દેશાવરના પક્ષીઓને પિયર ઘર જેવી હૂંફ આપે છે. વડોદરા વન વિભાગનો વન્ય જીવ વિભાગ આ સ્થળની શક્ય એટલી પર્યાવરણીય કાળજી લે છે. તેની સાથે નાગરિકો પોતાની જવાબદારી સમજીને સ્થળના પર્યાવરણ ની જાળવણી અને આ પાંખાળા મહેમાનોની સુરક્ષામાં પીઠબળ આપે એ ઇચ્છનીય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code