Site icon Revoi.in

ડીસામાં શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત

Social Share

ડીસાઃ શહેરના ગાયત્રી મંદિર પાસે રોડ પર શોપિંગ સેન્ટરના બાંધકામ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રોડ તરફની એક ગેરકાયદે દીવાલ ધરાશાયી થતાં રસ્તા પર જતી મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે મહિલાની સાથે જઈ રહેલી તેની બે દીકરીઓને બચાવ થયો હતો. આ બનાવ બાદ બાંધકામ સાઈટ પરથી સુપરવાઈઝર, મજુરો, અને જેસીબીનો ચાલક નાસી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનોં નોંધીને તપાસ હાથ ધરી છે.

ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન એક દુર્ઘટના સર્જાઇ છે. ખોદકામ ચાલુ હતું ત્યારે, રસ્તા તરફની ગેરકાયદેસર દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલી બે દીકરીનો આબાદ બચાવ થયો હતો. લોરવાડા ગામના મહિલા તેજલબેન વિરાજી ઠાકોર પરિવાર સાથે ડીસા બજારમાં ખરીદી અર્થે આવ્યા હતા. તેઓ રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. બાજુમાં બાંધકામ સ્થળે જેસીબી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન અચાનક એક દીવાલ ધરાશાયી થઇ હતી.

સ્થાનિક લોકોના કહેવા મુજબ ગાયત્રી મંદિર નજીક રોડ પર એક શોપિંગ સેન્ટરનું બાંધકામ ચાલી રહ્યું હતું. અને તેના માટે જેસીબી મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન જેસીબીની ટક્કરથી રસ્તાની બાજુમાં આવેલી એક ગેરકાયદે દીવાલ અચાનક ધસી પડી હતી. દીવાલ તૂટી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલી મહિલા તેની નીચે દટાઈ ગઈ હતી.  ઘટના બાદ બાંધકામ સ્થળ પરથી સુપરવાઇઝર, મજૂરો અને જેસીબી ડ્રાઈવર ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતક મહિલાના મૃતદેહને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગેરકાયદેસર બાંધકામ અને બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ દુર્ઘટનામાં બચી ગયેલી બંને દીકરીના હૈયાફાટ રુદને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.