અમદાવાદ, 22 એપ્રિલ 2026: Work begins to demolish the span of Subhash Bridge શહેરમાં સાબરમતી નદી પર આવેલો વર્ષો જુનો સુભાષબ્રિજ જર્જરિત થતા હાલ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસણા બેરેજના દરવાજાની મરામત માટે હાલ સાબરમતી નદીને ખાલી કરવામાં આવી છે. સાબરમતી નદીમાં પાણી ન હોવાથી સુભાષબ્રિજના સ્પાન તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ. દ્વારા ચોમાસું શરૂ થાય તે પહેલાં બ્રિજના પાયાનું કામ પૂર્ણ કરી લેવા માટે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
અમદાવાદની શાન ગણાતા સાબરમતી નદી પરના વર્ષો જૂના સુભાષબ્રિજનું અસ્તિત્વ ભૂંસાશે. વર્ષોથી લાખો શહેરીજનોની સફરનો સાક્ષી બનેલો આ બ્રિજ હવે ‘ખખડધજ’ હાલતમાં હોવાથી તેને તોડવાની કામગીરી અત્યંત વેગવંત બની છે. હાલમાં નદી ખાલી છે, જેથી હેવી મશીનરી દ્વારા બ્રિજના કુલ 06 સ્પાનને તોડવાનું કામ શરૂ કરી દેવાયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસું શરૂ થાય તે પહેલાં બ્રિજના પાયાનું કામ પૂર્ણ કરી લેવા માટે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ જ જગ્યાએ હવે 235 કરોડના ખર્ચે અત્યાધુનિક અને મજબૂત નવો બ્રિજ સાકાર થશે.
સુભાષબ્રિજ દાયકાઓ પહેલા ઉત્તર અમદાવાદને શહેરના અન્ય ભાગો સાથે જોડતી મુખ્ય કડી તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો. સમય જતાં ટ્રાફિકનું ભારણ વધ્યું અને સતત અવરજવરને કારણે બ્રિજનું સ્ટ્રક્ચર નબળું પડતું ગયું. તાજેતરના નિરીક્ષણમાં જાણવા મળ્યું કે બ્રિજના પાયા અને સ્પાનમાં તિરાડો પડી છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ હતી. સુરક્ષાના કારણોસર તંત્રએ આ જૂની સંરચનાને દૂર કરવાનો કઠોર નિર્ણય લીધો છે. આ નવો પ્રોજેક્ટ માત્ર કોંક્રિટનું માળખું નહીં, પણ શહેરની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય લખશે. તે વધુ પહોળો અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને તૈયાર કરાશે. જૂની યાદોને વિદાય આપીને અમદાવાદ હવે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ ડગ માંડી રહ્યું છે. સુભાષબ્રિજનું આ નવું રૂપ શહેરની રફ્તારને નવી ઊંચાઈ આપશે.

