સુરત, 17 મે 2026: Worker crushed to death after falling from crane શહેરના લસકાણા વિસ્તારમાં રોડ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક ક્રેનમાંથી અચાનક એક શ્રમિક યુવક નીચે પટકાયો હતો. નીચે પડતાંની સાથે જ યુવક ક્રેનના તોતિંગ ટાયર નીચે આવી ગયો હતો. અને આશરે 15 ફૂટ સુધી રોડ પર ઢસડાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓને કારણે શ્રમિક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ક્રેનનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી નાસી ગયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના લસકાણા વિસ્તારમાં રોડ પરથી જઈ રહેલી ક્રેનના ચાલકે બેદરકારીથી પૂર ઝડપે ક્રેન દોડવતા ક્રેનમાં બેઠેલો એક શ્રમિક યુવાન ઉછળીને રોડ પર પટકાયો હતો. અને ક્રેનના તોતિંગ ટાયર શ્રમિક પર ફરી વળ્યા હતા. એટલું જ નહીં ક્રેન સાથે શ્રમિક યુવાન 15 ફૂટ સુધી રોડ પર ઢસડાયો હતો. ગંભીર ઈજાઓને કારણે શ્રમિક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ભોગ બનનાર મૃતક યુવકની ઓળખ નરેન્દ્રકુમાર યાદવ તરીકે થઈ છે. નરેન્દ્રકુમાર મૂળ બિહારનો વતની હતો અને સુરતમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતો હતો.
આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.અકસ્માત સર્જાયા બાદ ક્રેનનો ડ્રાઈવર પકડાઈ જવાના ડરે વાહન છોડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ લસકાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

