
અમદાવાદઃ રાજ્યમાં વધતી જતી મોંઘવારીમાં કર્મચારીઓથી લઈને શ્રમિકો પણ પોતાના વેતન દરમાં વધારાની આશા રાખતા હોય છે. ત્યારે વિરમગામ એપીએમસીના સત્તાધિશોએ શ્રમિકોના મજુરી દરમાં ઘટાડો કરાતા શ્રમિકોમાં અસંતોષ ઊભો થયો છે. કેટલાક શ્રમિકોએ કામથી વેગળા રહીને દિવસભર ઊભા રહીને મજુરીના દર વધારવા માટે સૂંત્રો પણ પોકાર્યા હતા. હાલ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક શરૂ થઈ છે ત્યારે શ્રમિકો કામથી વેગળા રહેતા યાર્ડના કામકાજ પર અસર પડી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વિરમગામ એપીએમસી ખાતે વર્ષોથી કામ કરતા સ્થાનિક સેંકડો મજૂરોને નવા વર્ષે જ મુર્હતમાં એપીએમસીના અધિકારીઓ અને વેપારીઓની સાઢ ગાંઠના કારણે રોજી રોટી છીનવાઈ જતા એપીએમસીની બહાર સ્થાનિક મહિલા મજૂરો સહિત મજૂરોએ દિવસભર ઉભા રહી શાંત અને અહિંસક વિરોધ ચાલુ કર્યો હતો.
શ્રમિકોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 10 વર્ષથી માર્કેટયાર્ડમાં કામ કરી રહ્યા છીએ. અમારા પરિવારજનો સહિતના ગરીબ લોકો અનાજની બોરીઓ ઠલવવા-ભરવા, ચારણો કરવા, ગાડીઓ ભરવા સહિતનું મજૂરીકામ કરીએ છીએ જેનાથી અમારા અને અમારા પરિવારનું ભરણપોષણ થાય છે ત્યારે થોડા વર્ષો અગાઉ અમોને એક બોરી દીઠ રૂ.10 મજૂરી પેટે મળતા હતા જે ઘટાડીને ₹8 કરવામાં આવ્યા હતા. જે અમે મંજુર રાખ્યા હતા.ત્યારબાદ મજુરીના દરમાં ફરીવાર ઘટાડો કરવામાં આવ્યો છે. અસહ્ય મોંઘવારીમાં મજુરીના યોગ્ય દર મળવા જોઈએ. આ અંગે શ્રમિકોએ એપીએમસીના સત્તાધિશોને રજુઆત પણ કરી હતી. ત્યારે એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, એપીએમસીની મીટીંગમાં મજૂરીના ભાવ રૂ. 8 થી ઘટાડીને 6 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓને વધુ મજુરી આપવી પોસાતી નથી. તેથી શ્રમિકોએ વિરોધ શરૂ કર્યો છે.