નવી દિલ્હીઃ વર્લ્ડ ચેસ કપના ચોથા રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓએ પોતાની મેચ ડ્રો કરી હતી. જેના કારણે પાંચેય ખેલાડીઓ હજુ પણ આગામી રાઉન્ડ માટે સ્પર્ધામાં છે. ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીનો સામનો હંગેરિયન દિગ્ગજ પીટર લેકો સામે થયો હતો. એરિગેસીને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો, અને સફેદ મહોરા સાથે રમતા લેકો ડ્રોથી સંતુષ્ટ દેખાતા હતા. તેવી જ રીતે, પ્રજ્ઞાનંધ અને ડેનિલ ડુબોવ વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ડુબોવે મેચમાં જોખમ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ અંતે ડ્રો સ્વીકાર્યો હતો.
અન્ય મેચોમાં, ગ્રાન્ડમાસ્ટર પી. હરિકૃષ્ણાએ સ્વીડનના નિલ્સ ગ્રાન્ડેલિયસ, વી. પ્રણવએ ઉઝબેકિસ્તાનના નોડિરબેક સામે અને વી. કાર્તિકે વિયેતનામના લે ક્વાંગ લીમ સામે ડ્રો કર્યો હતો. આ પરિણામો બાદ, બધા ભારતીય ખેલાડીઓ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવાની આશા રાખી રહ્યા છે.

