
વિશ્વ વાઘ દિવસઃ 80ના દાયકા પહેલા ડાંગ, નર્મદા અને સાબરકાંઠામાં વાઘનો વસવાટ હતો
અમદાવાદઃ વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ઉપરાંત રોયલ અને મોભાદાર પ્રાણી છે, દર વર્ષે 29મી જુલાઈએ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ’-‘ગ્લોબલ ટાઈગર ડે’ ઉજવવામાં આવે છે. 2018 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ 2967 વાઘ અસ્તિત્વ ધરવતા હોવાનું નોંધાયું છે. ગુજરાતમાં 80ના દાયકા પહેલા ડાંગ, નર્મદા અને સાબરકાંઠા જિલ્લામાં વાઘ વસવાટ કરતા હતા. જો કે, હાલ ગુજરાતમાં વાઘ ઉપલબ્ધ નથી, પરંતુ સરહદી જિલ્લા મહિસાગર ખાતે અગાઉ વાઘ દેખાયો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો.
સુરતના પ્રાણી પ્રેમી ફિલ્ડ બાયોલોજીસ્ટ મયુર હામુભાઈ વરિયા જણાવ્યું હતું કે, વાઘ ઈકોસિસ્ટમની હેલ્થ, બાયો ડાયવર્સિટી અને જંગલના તૃણાહારી પ્રાણીઓની વસ્તી જાળવવા મહત્વનો ફાળો આપે છે. જેથી વનસ્પતિ પર આધારિત પ્રાણીઓ અને વનસ્પતિનું સંતુલન પણ જળવાઈ રહે છે. 2006 થી દર ચાર વર્ષે ‘નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી’ દ્વારા સમગ્ર દેશમાં વાઘની વસ્તી ગણતરી થાય છે. 2018 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ 2967 વાઘ અસ્તિત્વ ધરવતા હોવાનું નોંધાયું છે. ધીમે ધીમે લોકોમાં જાગૃત્તિ અને સરકારના સુઆયોજિત પ્રયાસોથી છેલ્લા બે વર્ષમાં ભારતમાં વાઘની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મયુર વરિયાએ વધુમાં કહ્યું કે, 80ના દાયકાની શરૂઆત સુધી ગુજરાતમાં પણ ડાંગ, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાના જંગલોમાં વાઘ વસવાટ કરતા હતા. તાજેતરમાં 2019માં, રાજ્યના મહિસાગર જિલ્લામાં ટ્રાન્સબાઉન્ડ્રી ખાતે વાઘની હાજરીના પૂરાવા મળ્યા હતા. ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન 2021-22નું પાંચમું ચક્ર શરૂ છે, અને ડેટાનું વિશ્લેષણ થતાં જ ભારતમાં વાઘનો નવો આંકડો બહાર આવશે એવું તેમણે ઉમેર્યું હતું.
આબોહવા પરિવર્તન મંત્રાલયના નેજા હેઠળ વર્ષ 1973થી કાર્યરત ‘પ્રોજેક્ટ ટાઈગર’નો હેતુ વાઘની સંખ્યા વધારવા ઉપરાંત તેમના ખોરાકની ઉપલબ્ધિ માટે સલામત અને આદર્શ પર્યાવરણીય વાતાવરણ ઉભું કરવાનો છે.
વર્ષ 1983માં દેશના 15મા વાઘ પ્રોજેક્ટ તરીકે જાહેર કરાયેલા અરૂણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં આવેલું નામદફા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ ખાતે વર્ષ 2018ની ગણતરી અનુસાર 11 વાઘ નોંધાયા હતા.
અહીં તેઓ ફિલ્ડ બાયોલોજીસ્ટ તરીકે વાઘનું નિરીક્ષણ કરી ઉદ્યાનના ઉત્કૃષ્ઠ સંચાલનની સુવિધા માટે સંશોધન કરી રહ્યા છે. અહીના ખરબચડા, ડુંગરાળ સંરક્ષિત વિસ્તારમાં વાઘને ટ્રેક કરવા એ પડકારજનક કાર્ય છે, પરંતુ નામદફા NP અને TRના ફિલ્ડ સ્ટાફની સમર્પિત ટીમ આ ભવ્ય સંરક્ષિત વિસ્તારને બચાવવા માટે સખત મહેનત કરી રહી છે.
અહીંના લોકો સાથે કામ કરવા માટે વિશેષાધિકાર મળ્યો હોય એવી લાગણી વ્યક્ત કરી પોતાની જાતને ભાગ્યશાળી અનુભવતા હોવાનું તેઓ જણાવે છે.