1. Home
  2. revoinews
  3. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ: અમેરિકાની MIT વિશ્વમાં પ્રથમ, ભારતની 52 સંસ્થાઓને મળ્યું સ્થાન
વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ: અમેરિકાની MIT વિશ્વમાં પ્રથમ, ભારતની 52 સંસ્થાઓને મળ્યું સ્થાન

વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ: અમેરિકાની MIT વિશ્વમાં પ્રથમ, ભારતની 52 સંસ્થાઓને મળ્યું સ્થાન

0
Social Share

નવી દિલ્હી, 18 જૂન 2026: દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ‘ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027’ જાહેર કરવામાં આવી છે, જેમાં અમેરિકાની મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT) એ વિશ્વની નંબર-1 યુનિવર્સિટી તરીકે પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. વિશેષ વાત એ છે કે, એમઆઈટી સતત 15મા વર્ષે આ વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ પાયદાન પર રહીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારત માટે પણ આ વર્ષના પરિણામો અત્યંત ઉત્સાહજનક રહ્યા છે, કારણ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) દિલ્હી દેશની સૌથી શ્રેષ્ઠ રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટી બની છે. વૈશ્વિક સ્તરે આઈઆઈટી દિલ્હી 118મા ક્રમે રહ્યું છે, જે કોઈપણ ભારતીય સંસ્થા દ્વારા મેળવવામાં આવેલી અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ વૈશ્વિક રેન્કિંગની બરાબરી છે.

છેલ્લા એક દાયકામાં વૈશ્વિક શૈક્ષણિક મંચ પર ભારતીય યુનિવર્સિટીઓની ઉપસ્થિતિમાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2017માં જ્યાં આ યાદીમાં માત્ર 14 ભારતીય સંસ્થાઓ સામેલ હતી, ત્યાં હવે આ સંખ્યા વધીને 52 થઈ ગઈ છે. આ શાનદાર પ્રગતિ સાથે ભારત હવે દુનિયાનો પાંચમો સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતો ઉચ્ચ શિક્ષણ દેશ બની ગયો છે. આ વર્ષના આંકડા અનુસાર, યાદીમાં સામેલ ભારતની 52 સંસ્થાઓમાંથી 26 યુનિવર્સિટીઓના રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે, જ્યારે 9 યુનિવર્સિટીઓ પોતાનું જૂનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. જોકે, 15 સંસ્થાઓના રેન્કિંગમાં આંશિક ઘટાડો પણ નોંધાયો છે, જ્યારે 2 નવી ભારતીય યુનિવર્સિટીઓ પ્રથમ વખત આ વૈશ્વિક યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.

  • 18 ભારતીય યુનિવર્સિટીઓએ આ વર્ષે પોતાનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ બનાવ્યો

આ વખતની રેન્કિંગની સૌથી મોટી ખાસિયત એ રહી છે કે શ્રેષ્ઠ પ્રદર્શન માત્ર આઈઆઈટી સંસ્થાઓ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ દેશની અન્ય ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓએ પણ મોટો સુધારો કર્યો છે. જામિયા મિલ્લિયા ઇસ્લામિયા, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ), બિટ્સ પિલાની, વીઆઇટી (વીઆઈટી) અને ચંદીગઢ યુનિવર્સિટીએ અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. કુલ 18 ભારતીય યુનિવર્સિટીઓએ આ વર્ષે પોતાનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ બનાવ્યો છે, જેમાંથી 13 નોન-આઈઆઈટી સંસ્થાઓ છે. સૌથી વધુ સુધારો કરનારી સંસ્થાઓમાં વેલોરની વીઆઇટી 94 સ્થાનનો મોટો કૂદકો લગાવીને 597મા ક્રમે પહોંચી છે. જ્યારે બિટ્સ પિલાની 93 સ્થાન ઉપર ચઢીને 575મા ક્રમે અને જામિયા મિલ્લિયા ઇસ્લામિયા 75થી વધુ ક્રમના સુધારા સાથે 686મા સ્થાન પર આવી ગયું છે.

  • રિસર્ચ અને રોજગાર ક્ષેત્રે વૈશ્વિક ડંકો

શિક્ષણની ગુણવત્તા ઉપરાંત સંશોધન એટલે કે રિસર્ચ ક્ષેત્રે પણ ભારત વૈશ્વિક સ્તરે મજબૂત થઈ રહ્યું છે. ભારત હવે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ‘રિસર્ચ આઉટપુટ’ (સંશોધન કાર્ય) આપનારો દેશ બની ગયો છે. આ ઉપરાંત, ‘સાયટેશન પ્રતિ ફેકલ્ટી’ના મામલામાં ભારતની 11 યુનિવર્સિટીઓ વિશ્વની ટોપ-100 સંસ્થાઓમાં સ્થાન મેળવી ચૂકી છે. તો બીજી તરફ, મોટી કંપનીઓમાં રોજગારની પ્રતિષ્ઠા એટલે કે ‘એમ્પ્લોયર રેપ્યુટેશન’ની બાબતમાં પણ ભારતની 6 યુનિવર્સિટીઓ વૈશ્વિક ટોપ-100માં સ્થાન મેળવવામાં સફળ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં વિશ્વના 106 દેશોની 1500થી વધુ યુનિવર્સિટીઓનું વિવિધ કડક માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય શિક્ષણ જગતે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code