અફઘાનિસ્તાનમાં તાલિબાનનો નવો ફતવો: સરકારી કચેરીઓમાં સ્માર્ટફોન વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ
કાબુલ, 18 જૂન 2026: અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને ફરી એકવાર પોતાના કડક અને વિવાદાસ્પદ નિર્ણયોથી સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદઝાદાના તાજેતરના આદેશ અનુસાર, હવે અફઘાનિસ્તાનની કોઈપણ સરકારી કચેરીમાં કર્મચારીઓ દ્વારા સ્માર્ટફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નવો કડક વહીવટી નિયમ સૈન્ય અને નાગરિક (સિવિલ) બંને વિભાગો પર સમાન રીતે તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવ્યો છે.
તાલિબાન સરકારે આ અંગે કડક ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે જો કોઈ પણ કર્મચારી—પછી ભલે તે જુનિયર હોય કે સિનિયર—ઓફિસ સમય દરમિયાન સ્માર્ટફોનનો ઉપયોગ કરતો પકડાશે, તો તેને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના તાત્કાલિક અસરી નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. એટલું જ નહીં, આ સરકારી આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, અફઘાનિસ્તાનના બદખ્શાન જેવા અંતરિયાળ વિસ્તારોમાં આ નિયમ તોડવા બદલ 6 મહિના સુધીની જેલની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સત્તાવાર પત્રમાં, જેના પર અફઘાનિસ્તાનની સુપ્રીમ કોર્ટનું સત્તાવાર પ્રતીક ચિહ્ન અંકિત છે, સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયમ 17 જૂનથી જ અમલી બની ગયો છે. જો કે આ કડક પ્રતિબંધ પાછળનું ચોક્કસ સત્તાવાર કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ નિષ્ણાતોના મતે સુરક્ષાના કારણો, સરકારી ગુપ્ત માહિતી લીક થવાના ડર અને કર્મચારીઓની ‘ડિજિટલ દેખરેખ’ ઓછી કરવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. આ નિયમમાં વિશેષ છૂટછાટ માત્ર તેમને જ મળશે જેમને સુપ્રીમ લીડર તરફથી લેખિતમાં વિશેષ પરવાનગી મળેલી હશે.
-
સરકારી કામગીરીને અસર પડવાની ભીતિ
વહીવટી નિર્ણય બાદ અફઘાનિસ્તાનના શિક્ષકો, વહીવટી અધિકારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓમાં ભારે ફફડાટ અને મુંઝવણ વ્યાપી ગઈ છે. આજના આધુનિક યુગમાં જ્યાં મોટાભાગના વહીવટી કાર્યો, પત્રોની આપ-લે અને સંકલન વોટ્સએપ, ઈમેલ અને એઆઈ ટૂલ્સ દ્વારા સરળતાથી થાય છે, ત્યાં સ્માર્ટફોન પરના આ પ્રતિબંધને કારણે સરકારી કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. નામ ન આપવાની શરતે એક અફઘાન સરકારી કર્મચારીએ મીડિયાને જણાવ્યું હતું કે, આજના સમયમાં સ્માર્ટફોન વિના ઓફિસનું કામ કરવું લગભગ અશક્ય છે. મહત્વની ફાઈલો મોકલવા અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી જરૂરી દિશા-નિર્દેશો મેળવવા માટે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની સતત જરૂર પડે છે. આ નિર્ણયથી સરકારી કામકાજની ગતિ અત્યંત ધીમી પડી જશે અને વિભાગો વચ્ચેનો પરસ્પર સંપર્ક સંપૂર્ણપણે તૂટી જશે.
જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પોતાના હાથમાં લીધી છે, ત્યારથી ત્યાં નાગરિકોની અભિવ્યક્તિની આઝાદી અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ પર સતત આકરા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. સ્માર્ટફોન પ્રતિબંધનો આ તાજેતરો નિર્ણય માત્ર સરકારી તંત્રની કાર્યક્ષમતાને જ પ્રભાવિત નહીં કરે, પરંતુ ત્યાંના સામાન્ય લોકોને આધુનિક વિશ્વથી વધુ દૂર લઈ જશે. હવેથી અફઘાનિસ્તાનની સરકારી કચેરીઓમાં સ્માર્ટફોનના સ્થાને માત્ર બેઝિક ‘કીપેડ’ વાળા જૂના ફોન જ જોવા મળશે, જેનાથી માત્ર કોલિંગ કરી શકાશે. વૈશ્વિક વિશ્લેષકોના મતે, ડિજિટલ યુગમાં આગળ વધવાને બદલે અફઘાનિસ્તાન આ નિર્ણયોને કારણે ફરી એકવાર પથ્થર યુગ તરફ પાછળ ધકેલાઈ રહ્યું છે.
(PHOTO-FILE)


