Site icon Revoi.in

યમુના એક્સપ્રેસ વે ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત

Social Share

અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મધ્યરાત્રી બાદ લગભગ 1 વાગ્યાના સુમારે એક ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કેટલાક દર્દીઓની હાલ ગંભીર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રપાતગઢની ટ્રાવેલ્સની ડબલ ડેકર બસ દિલ્હીથી આઝમગઢ તરફ જઈ રહી હતી. યમુના એક્સપ્રેસ વે ઉપરથી બસ પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે અલીગઢના ટપ્પલ પોલીસ સ્ટેશનના પોઈન્ટ નંબર 56 પાસેથી બસ પસાર થઈ રહી હતી. દરમિયાન બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. તેમજ બસ આગળ જતી ટ્રક સાથે ઘડાકા સાથે અથડાઈ હતી. અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ બનાવને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથધરી હતી. આ ટક્કર બાદ બસનો એક ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. બસમાં ફસાયેલા મુસાફરોને બારીના કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં પારુલ (ઉ.વ. 25), તેનો પાંચ મહિનાનો પુત્ર આરોહ, પ્રતાપગઢના હસમુખ સરોજ અને અન્ય બે અજાણ્યા લોકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં એક મહિલા, ત્રણ પુરૂષ અને એક માસૂમ બાળકનો સમાવેશ થાય છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને ઘાયલોને હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.