- હવામાન વિભાગે કરી આગાહી
- બપોરે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ
- આગામી 48 કલાક આકરી ગરમી પડશે
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે આકરી ગરમી પડતી હોવાથી લોકો કામ વગર બહાર જવાનું ટાળીને ઓફિસ અને ઘરમાં પંખા તથા એસી પાસે બેસી રહેવાનું પસંદ કરે છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક નગરોમાં હિટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આપવામાં આવ્યું છે. જેથી ગુજરાતની જનતા માટે આગામી 24 કલાક આકરા રહેવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં માર્ચ મહિનાની આરંભ સાથે જ આકાશમાંથી અગ્ન વર્ષાનો પ્રારંભ થયો હતો. હાલ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હજુ એપ્રિલ અને મે મહિનામાં આકરી ગરમી પડશે. ગીર જંગલ સહિતના અભ્યારણ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે વનવિભાગ દ્વારા પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસમાં આકરી ગરમીની આગાહી કરી છે.
ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં આકરી ગરમી પડવાની શકયતા છે. જેથી હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાવનગર, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના અનેક નગરોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેથી તંત્રએ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે સાથે જ જો ઘરની બહાર નીકળવાનું થાય તો પૂરતી તકેદારી રાખવામાં આવે. અમદાવાદમાં એક બાજુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ કાળઝાળ ગરમી વધતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે.