Site icon Revoi.in

અમદાવાદના જૂહાપુરામાં ઈન્સ્ટ્રા પર રિલ મુકવાના મુદ્દે યુવાનની હત્યા

Social Share

અમદાવાદ, 23 એપ્રિલ 2026: Youth murdered over posting a reel on Instagram in Juhapura શહેરના જુહાપુરા વિસ્તારમાં સોશિયલ મિડિયામાં રિલ મુકવાના મુદ્દે થયેલી માથાકૂટમાં 19 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, આ હુમલામાં મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતા જ વેજલપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મુખ્ય આરોપી સહિત ત્રણ શખસોને ઝડપી લીધા હતા.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ બન્યો છે. ગઈ મોડી રાત્રે શહેરના જુહાપુરા વિસ્તારમાં આયશા મસ્જિદની પાછળ 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. મૃતક અને આરોપી વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર રિલ મૂકવા બાબતે થયેલી માથાકૂટ બાદ આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. હુમલામાં મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે, જે હાલ સારવાર હેઠળ છે. વેજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના જુહાપુરામાં રહેતા મોહમ્મદસાલિક શેખને સ્થાનિક રેહાન પઠાણ સાથે રમઝાન સમયથી તકરાર ચાલતી હતી. બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર રિલ મૂકવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો. મોહમ્મદસાલિકે સોશિયલ મીડિયા પર મૂકેલી એક સ્ટોરીની અદાવત રાખી રેહાન પઠાણે તેને વાત કરવા માટે આયશા મસ્જિદ પાસે બોલાવ્યો હતો.  મોહમ્મદસાલિક જ્યારે તેના મિત્ર કાશીબ સૈયદ સાથે મસ્જિદ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં રેહાન પઠાણ તેના સાગરીતો ફૈઝલ પઠાણ અને ફૈઝાન પઠાણ સાથે હાજર હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી પર પહોંચ્યો હતો. આ દરમિયાન રેહાને ઉશ્કેરાઈને સાલીકના પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. આરોપીઓએ મૃતકના મિત્ર કાશીબને પણ છરી મારી પથ્થરમારો કર્યો હતો. લોકોના ટોળા એકઠા થતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.  દરમિયાન ગંભીર ઈજાઓને કારણે મોહમ્મદસાલિકનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ કાશીબ હાલ સારવાર લઈ રહ્યો છે. વેજલપુર પોલીસે મોડી રાત્રે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને મુખ્ય આરોપી રેહાન પઠાણ, ફૈઝલ પઠાણ તથા ફૈઝાન પઠાણની ધરપકડ કરી છે. વેજલપુર પોલીસે હત્યા પાછળ માત્ર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જ કારણભૂત છે કે અન્ય કોઈ જૂની અદાવત તેની તપાસ હાથ ધરી છે.

Exit mobile version