1. Home
  2. ગુજરાતી
  3. નવું ભારત હવે ગ્રો મોર, અચીવ મોરના મંત્ર સાથે આગળ વધી રહ્યું : નરેન્દ્ર મોદી
નવું ભારત હવે ગ્રો મોર, અચીવ મોરના મંત્ર સાથે આગળ વધી રહ્યું : નરેન્દ્ર મોદી

નવું ભારત હવે ગ્રો મોર, અચીવ મોરના મંત્ર સાથે આગળ વધી રહ્યું : નરેન્દ્ર મોદી

0
Social Share

લબર્ન, 9 જુલાઈ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબર્નના માર્વલ સ્ટેડિયમ ખાતે અંદાજે 30 હજારથી વધુ પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. સ્ટેડિયમમાં ઉમટેલા જનમેદનીના અભૂતપૂર્વ ઉત્સાહ અને માનવ મહેરામણને જોઈને ગદગદ થયેલા પીએમ મોદીએ આ કાર્યક્રમને અખબારી ભાષામાં ‘હાઉસફુલ અને બ્લોકબસ્ટર શો’ ગણાવ્યો હતો. તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે, તેઓ પોતે પણ મેલબર્નના લોકોને મળવા માટે આતુર હતા અને જે ઉર્જા સાથે અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે તે ખરેખર અદ્ભુત અને અવિસ્મરણીય છે. વડાપ્રધાને ગર્વભેર જાહેરાત કરી હતી કે આજનું ભારત હવે માત્ર એક દેશ નથી રહ્યો પરંતુ વૈશ્વિક સ્તરે એક મજબૂત ‘ગ્લોબલ બ્રાન્ડ’ તરીકે ઉભરી આવ્યો છે.

છેલ્લા 12 વર્ષોમાં ઓસ્ટ્રેલિયાની આ પોતાની ત્રીજી મુલાકાત હોવાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આ વખતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સ્નેહ ભરેલી હેટ્રિક લાગી છે. આ બાબત ભારત અને ઓસ્ટ્રેલિયાના દ્વિપક્ષીય સંબંધોની નવી સર્વોચ્ચ ઊંચાઈને દર્શાવે છે અને આ સફળતા પાછળ મોદીની નહીં પરંતુ ઓસ્ટ્રેલિયામાં વસતા તમામ ભારતીયોની મુખ્ય ભૂમિકા છે. વર્ષ 2014ની પોતાની પ્રથમ મુલાકાતને યાદ કરતા તેમણે કહ્યું કે, તે સમયે કોઈ ભારતીય વડાપ્રધાન 28 વર્ષના લાંબા ગાળા પછી ઓસ્ટ્રેલિયા આવ્યા હતા, પરંતુ ત્યારે તેમણે આપેલું વચન પાળ્યું છે કે હવે ભારતીયોએ આટલી લાંબી રાહ જોવી નહીં પડે.

  • ઓપરેશન સિંદુરની ગુંજ સમગ્ર વિશ્વમાં સંભળાઈ

આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનીઝની હાજરીમાં પીએમ મોદીએ આતંકવાદના મુદ્દે ‘ઓપરેશન સિંદૂર’નો વિશેષ ઉલ્લેખ કરીને પાકિસ્તાનને અત્યંત કડક અને સ્પષ્ટ શબ્દોમાં લશ્કરી સંદેશ આપ્યો હતો. તેમણે જનતાને પૂછ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાનો ડેમો તો આખી દુનિયાએ જોઈ જ લીધો હશે, જેમાં ધમાકા આતંકવાદીઓના આકાઓ અને તેમના અડ્ડાઓ પર થઈ રહ્યા હતા અને તેની ગૂંજ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી હતી. ટેરર કેમ્પ પર કરવામાં આવેલા આ કરારા પ્રહારથી પ્રત્યેક ભારતીય નાગરિકનું મસ્તક ગર્વથી ઊંચું થઈ ગયું છે. ભારત હવે સુરક્ષા અને વિકાસના મામલે આટલાથી અટકવા માંગતું નથી, નવું ભારત હવે ‘ગ્રો મોર, અચીવ મોર’ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે.

  • ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની દિશામાં અગ્રેસર

ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ ગણાવતા પીએમ મોદીએ ઉમેર્યું કે, ભારત આજે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું 5G માર્કેટ બની ગયું છે અને આપણી સ્વદેશી ‘મેડ ઇન્ડિયા 6G’ ટેક્નોલોજી પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. દેશના આંતરિક વિકાસ અંગે તેમણે કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં દેશના બે ડઝનથી વધુ શહેરોમાં અત્યાધુનિક મેટ્રો નેટવર્ક પહોંચી ચૂક્યું છે અને દરરોજ સવા કરોડથી વધુ લોકો મેટ્રોમાં મુસાફરી કરે છે, જેના કારણે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવતો દેશ બન્યો છે. આ સિવાય દેશમાં નમો ભારત રેપિડ રેલ અને વંદે માતરમ નેટવર્કનો ઝડપી વિસ્તાર થઈ રહ્યો છે તથા અંતરિક્ષ ક્ષેત્રે ભારત પોતાનું મહત્વાકાંક્ષી ‘ગગનયાન’ મિશન લોન્ચ કરવાની સાથે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની દિશામાં અગ્રેસર છે.

વ્યૂહાત્મક અને આર્થિક મોરચે પણ ભારત નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે. દેશમાં હાલમાં 2 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે અને દર મહિને 4 હજારથી વધુ નવા સ્ટાર્ટઅપ નોંધાઈ રહ્યા છે, જ્યારે ભારતનું સ્પેસ સ્ટાર્ટઅપ પ્રથમ વખત પોતાનું ખાનગી રોકેટ લોન્ચ કરવા સજ્જ બન્યું છે. રમતગમતના ક્ષેત્રમાં ભારતે વર્ષ 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે સત્તાવાર દાવેદારી નોંધાવી છે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની રમત ભાગીદારી વધુ મજબૂત બનશે. પીએમ મોદીના સંબોધન પૂર્વે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બાનીઝે મોદીને ઓસ્ટ્રેલિયાના સાચા અને પાકા મિત્ર ગણાવીને બંને દેશો વચ્ચે મિત્રતાના એક નવા યુગની જાહેરાત કરી હતી.

  • ઓસ્ટ્રેલિયાના પીએમએ ભારતીયોની કરી પ્રશંસા

પીએમ અલ્બાનીઝે ભાવુક થઈને જણાવ્યું હતું કે, ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમને જે ભવ્ય સન્માન અને સ્નેહ મળ્યો હતો તે તેઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી. તેમણે સ્વીકાર્યું કે વૈશ્વિક સંકટના કોઈપણ સમયમાં ભારત હંમેશા મદદ માટે સૌથી આગળ આવીને ઊભું રહે છે. આ ત્રિદિવસીય મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સૂચિત વ્યાપક આર્થિક સહયોગ કરારને વહેલી તકે આખરી ઓપ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી વેપાર, સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે ભાગીદારી નવા આયામો સર કરી શકે. આ અંતર્ગત ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ફંડ ‘ઓસ્ટ્રેલિયનસુપર’ દ્વારા ભારતમાં 50 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરના જંગી મૂડીરોકાણની સત્તાવાર જાહેરાતને પીએમ મોદીએ ઉષ્માભેર આવકારી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code