1. Home
  2. ગુજરાતી
  3. ભારત-પાક. વચ્ચે દ્વિપક્ષીય ખેલ સંબંધો પર પ્રતિબંધ યથાવત: આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આમને-સામને ટકરાશે
ભારત-પાક. વચ્ચે દ્વિપક્ષીય ખેલ સંબંધો પર પ્રતિબંધ યથાવત: આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આમને-સામને ટકરાશે

ભારત-પાક. વચ્ચે દ્વિપક્ષીય ખેલ સંબંધો પર પ્રતિબંધ યથાવત: આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આમને-સામને ટકરાશે

0
Social Share

નવી દિલ્હી, 6 મે 2026: ખેલ મંત્રાલયે બુધવારે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમતગમતના સંબંધો પર લાદવામાં આવેલો પ્રતિબંધ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. જોકે, આંતરરાષ્ટ્રીય અને બહુપક્ષીય સ્પર્ધાઓમાં બંને દેશોના ખેલાડીઓની ભાગીદારી પર કોઈ રોક લગાવવામાં આવી નથી. મંત્રાલયે તમામ રાષ્ટ્રીય ખેલ મહાસંઘો અને ભારતીય ઓલિમ્પિક સંઘને આ અંગે લેખિત જાણકારી આપી છે.

મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર (સર્ક્યુલર) મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ સ્વતંત્ર શ્રેણી અથવા સ્પર્ધા રમાશે નહીં. ‘ભારતીય ટીમો પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે અને પાકિસ્તાની ટીમોને ભારતમાં રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં.’ આ કડક વલણ સરકારે સુરક્ષા અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને જાળવી રાખ્યું છે.

પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરની બહુપક્ષીય સ્પર્ધાઓ (જેમ કે વર્લ્ડ કપ, એશિયા કપ કે ઓલિમ્પિક) ની વાત આવે, ત્યારે નિર્ણય આંતરરાષ્ટ્રીય ખેલ સંસ્થાઓના નિયમો અને ભારતીય ખેલાડીઓના હિતોને આધારે લેવામાં આવશે. ભારતીય ખેલાડીઓ એવી તમામ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેતા રહેશે જેમાં પાકિસ્તાન સામેલ હોય.
પાકિસ્તાની ખેલાડીઓ પણ ભારતમાં આયોજિત આવી મલ્ટિલેટરલ ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકશે. આ નીતિ સૌપ્રથમ ઓગસ્ટ 2024માં એશિયા કપ વિવાદ બાદ જાહેર કરવામાં આવી હતી.

ભારતને વિશ્વના ‘પસંદગીના ખેલ સ્થળ’ તરીકે સ્થાપિત કરવા માટે મંત્રાલયે અન્ય એક મહત્વનો નિર્ણય લીધો છે. ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ, ટેકનિકલ ઓફિશિયલ્સ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના હોદ્દેદારો માટે વીઝા પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવશે. જેથી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજનમાં કોઈ વહીવટી અવરોધ ન આવે. આ નિર્ણયથી આગામી સમયમાં આયોજિત થનારી વૈશ્વિક ટૂર્નામેન્ટ્સમાં પાકિસ્તાની ખેલાડીઓના ભારતમાં પ્રવેશનો માર્ગ મોકળો થયો છે, પરંતુ બંને દેશો વચ્ચેની સ્વતંત્ર શ્રેણીઓની આશા રાખતા ચાહકોને હજુ લાંબી રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરાયેલા બટાકા માટે બે વર્ષથી સહાય ન મળતા ખેડૂતોને મુશ્કેલી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code