
ખંભાળિયા બાદ હવે નવલખી પાસેથી ઝડપાયું કરોડોનું 120 કિલો હેરોઈન
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં જ જામખંભાળિયામાં 66 કિલો ડ્રગ્સ પડકાવવાની બનાવની પોલીસ તપાસ ચાલુ જ છે. ત્યારે હવે મોરબી નજીક નવલખી પાસેથી 120 કિલો ડ્રગ્સ પકડાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોરબીના ઝીંઝુડા ગામમાં દરોડો પાડીને કરોડોના માદક દ્રવ્યો સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાનારી પોલીસને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત એટીએસ અને એસઓજીએ ચોક્કસ બાતમીના આધારે નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામના બે મકાન ઉપર મોડી રાતના છાપો માર્યો હતો. દરોડા દરમિયાન બંને ઘરમાંથી લગભગ 120 કિલો હેરોઈન મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. એટીએસ અને એસઓજીએ બંનેની ઉંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી છે. તેમની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, હવે પોલીસને વધુ એક સફળતા મળી છે.
દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પર સ્ટ્રાઈક કરવા બદલ પોલીસની કામગીરી વખાણી હતી, અને સાથે જ ડ્રગ્સ માફિયાઓને આકરી ચેતવણી આપતા કહ્યું હતું કે ડ્રગ્સ સાથે જોડાયેલા લોકો પર પોલીસની નજર છે અને આવા લોકોને છોડવામાં નહીં આવે.