ગાંધીનગર, 22 મે, 2026 : 12426 cases of dog bites reported in the last one and a half years પાટનગર ગાંધીનગરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. છેલ્લા દોઢ વર્ષમાં કૂતરા કરડવાના 12426 કેસ નોંધાયા છે. ખાસ કરીને વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા નાગરિકો, ટ્યુશન જતા નાના બાળકો અને શાકભાજી લેવા નીકળતા વડીલો આ રખડતા શ્વાનનો શિકાર વધુ બની રહ્યા છે. સોસાયટીઓમાં કૂતરાઓના ઝુંડ જમા થઈ જતા હોવાથી વાહનચાલકો પણ અકસ્માતનો ભોગ બને છે.
ગાંધીનગરમાં ડોગ બાઈટના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે એટલે કે 2025 માં જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં ગાંધીનગરમાં કુલ 7814 કૂતરાં કરડવાના કેસ નોંધાયા હતા.એટલે કે, વર્ષ દરમિયાન સરેરાશ દર મહિને 600થી વધુ લોકો ડોગ બાઈટનો ભોગ બન્યા હતા. વર્ષ 2025ના જાન્યુઆરીમાં 664, ફેબ્રુઆરીમાં 596, માર્ચમાં 645 અને એપ્રિલમાં 661 કેસ નોંધાયા હતા. મે મહિનામાં આ આંકડો 641 હતો, જ્યારે જૂનમાં 561, જુલાઈમાં 697 અને ઓગસ્ટમાં 580 કેસ સામે આવ્યા હતા. સપ્ટેમ્બરમાં 537 કેસ નોંધાયા બાદ ઓક્ટોબરમાં આ સંખ્યા વધીને 708પર પહોંચી ગઈ હતી. સૌથી ભયાનક સ્થિતિ નવેમ્બર મહિનામાં જોવા મળી હતી જ્યારે આખા વર્ષના સૌથી વધુ એટલે કે 803 કેસ એક જ મહિનામાં નોંધાયા હતા, અને ડિસેમ્બરમાં પણ 721 લોકો કૂતરા કરડવાનો ભોગ બન્યા હતા.
ચાલુ વર્ષ 2026ની વાત કરીએ તો સ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી હોય તેમ લાગી રહ્યુ છે. ચાલુ વર્ષના શરૂઆતના પાંચ મહિનામાં જ કૂતરા કરડવાના બનાવોમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. જે તંત્રની પોલ ખોલે છે. વર્ષ 2026ના જાન્યુઆરી મહિનામાં જ 961 કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષના જાન્યુઆરી કરતાં ઘણા વધારે હતા. ફેબ્રુઆરી મહિનામાં તો સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી અને આ એક જ મહિનામાં રેકોર્ડબ્રેક 1206 લોકોને કૂતરાંઓએ બચકાં ભર્યા હતા. માર્ચ મહિનામાં 1000 કેસ નોંધાયા, જ્યારે એપ્રિલમાં 908 લોકો હોસ્પિટલ ભેગા થયા હતા. ચાલુ માસ એટલે કે મે મહિનાના અડધા ભાગ સુધીમાં જ 537 કેસ નોંધાયા છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કૂતરાંના ખસીકરણ સહિતની કામગીરીનો દાવો કરવામાં આવતો હોવા છતાં ગાંધીનગરમાં કૂતરા કરડવાના કિસ્સા સતત વધતા જાય છે. પરિણામે ગાંધીનગર સિવિલમાં હડકવાની રસીનો પુરતો સ્ટોક સતત રાખવો પડી રહ્યો છે.

