ગાંધીનગર, 11 જુન, 2026 : 15000 cusecs of water released in Narmada Canal રાજ્યમાં સિચાઈ માટે પાણી આપવાની રજુઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. અને આજે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં હાલ પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે કે આગામી 1 વર્ષ સુધી સમગ્ર ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે નર્મદા ડેમ સંપૂર્ણ સક્ષમ છે.
નર્મદા ડેમમાંથી નર્મદા મુખ્ય કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાણી છોડાતાની સાથે જ છેક કચ્છ સુધી પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે, જેનાથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ખુશીનો માહોલ છે. રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે ગુજરાતના ખેડૂતોએ પોતાના કિંમતી ઉનાળુ પાકને સુકાઈ જતો બચાવવા માટે મુખ્યમંત્રી સમક્ષ નર્મદાનું પાણી આપવા માટે માંગ કરી હતી. ખેડૂતોની આ વ્યાજબી માંગણીને ધ્યાને રાખીને સરકારે તાત્કાલિક ધોરણે પાણી છોડવાનો આદેશ આપ્યો હતો, જે અંતર્ગત આજે 15000 ક્યુસેક પાણી કેનાલ મારફતે વહાવવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની સપાટી 127.64 મીટર પર છે. અને ડેમમાં ઉપરવાસમાંથી સતત 5000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
ગુજરાત સરકારના આ હકારાત્મક પગલાને કારણે રાજ્યના લાખો ખેડૂતોનો મોંઘોદાટ ઉનાળુ પાક જીવતદાન મેળવશે અને ઉનાળાના આકરા દિવસોમાં પીવાના પાણીની તંગીનો સામનો પણ કરવો નહીં પડે.

