નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશમાં રોજગાર 2014-15માં 47.15 કરોડથી 36 ટકા વધીને 2023-24માં 64.33 કરોડ થઈ ગયો છે, જે એનડીએના કાર્યકાળ દરમિયાન રોજગાર નિર્માણમાં સુધારો દર્શાવે છે. મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, યુપીએના કાર્યકાળ દરમિયાન ભારતમાં રોજગારમાં લગભગ 7 ટકાનો વધારો થયો અને 2.9 કરોડ વધારાની નોકરીઓનું સર્જન થયું. તે જ સમયે, મોદી સરકાર હેઠળ, 2014-24 વચ્ચેના 10 વર્ષમાં 17.19 કરોડ નોકરીઓનું સર્જન થયું. કેન્દ્રીય મંત્રીએ આપેલી માહિતી મુજબ મોદી સરકારના કાર્યકાળમાં અલગ-અલગ સેક્ટરમાં રોજગારીનું સર્જન થયું હતું.
તેમણે કહ્યું હતું કે, 2014 અને 2023 વચ્ચે કૃષિ ક્ષેત્રમાં રોજગારમાં 19 ટકાનો વધારો થયો છે, જ્યારે યુપીએના કાર્યકાળ દરમિયાન 2004 થી 2014 દરમિયાન કૃષિ ક્ષેત્રમાં 16 ટકાનો ઘટાડો થયો હતો. ઉત્પાદન ક્ષેત્રે રોજગાર 2014 અને 2023 ની વચ્ચે 15 ટકા વધવાની ધારણા છે, જ્યારે યુપીએના કાર્યકાળ દરમિયાન 2004 અને 2014 ની વચ્ચે આ ક્ષેત્રે માત્ર 6 ટકા વૃદ્ધિ થઈ હતી. 2014-2023 વચ્ચે સર્વિસ સેક્ટરમાં રોજગારમાં 36 ટકાનો વધારો થયો છે, જ્યારે યુપીએના કાર્યકાળ દરમિયાન, 2004 અને 2014 વચ્ચે આ સેક્ટરમાં 25 ટકાનો વધારો થયો હતો.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, બેરોજગારીનો દર 2017-18માં 6 ટકાથી ઘટીને 2023-24માં 3.2 ટકા થયો છે, જ્યારે રોજગાર દર (WPR) 2017-18માં 46.8 ટકાથી વધીને 2023માં 58.2 ટકા થયો છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, “શ્રમ દળ ભાગીદારી દર (LFPR) 2017-18માં 49.8 ટકાથી વધીને 2023-24માં 60.1 ટકા થયો છે.” આ સિવાય ઓક્ટોબરમાં 13.41 લાખ સભ્યો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં જોડાયા હતા. સત્તાવાર માહિતી અનુસાર, ગયા વર્ષે ઓક્ટોબરમાં લગભગ 7.50 લાખ નવા સભ્યો EPFOમાં જોડાયા હતા, જેમાંથી 58.49 ટકા 18-25 વય જૂથના હતા. યુવા વય જૂથની કુલ સંખ્યા 5.43 લાખ છે.

