સંસદ હુમલાની 24મી વરસી: PM મોદી, રાહુલ ગાંધી, અમિત શાહ સહિતના નેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ આજે સંસદ ભવન પર થયેલા આતંકી હુમલાની 24મી વરસી છે. દેશ આજે 2001ના એ વીર સપૂતોને યાદ કરી રહ્યો છે, જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ અવસર પર ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સોનિયા ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શહીદોને યાદ કરીને તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘X’ પર સંદેશમાં લખ્યું હતું કે, “આજનો દિવસ આતંકવાદ સામે આપણા સુરક્ષા દળોના અદમ્ય શૌર્ય અને સાહસને ફરીથી યાદ કરવાનો દિવસ છે, જ્યારે વર્ષ 2001માં વિશ્વના સૌથી મોટા લોકતંત્રના મંદિર, આપણા સંસદ ભવન પર થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલાને તેમણે પોતાના જુસ્સાથી નિષ્ફળ બનાવ્યો હતો. આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતાં વીરગતિ પામેલા સુરક્ષા દળોના જવાનોને હું નમન કરું છું. આ રાષ્ટ્ર વીર સેનાનીઓના ત્યાગ અને બલિદાનનું સદાય ઋણી રહેશે.”
રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ‘X’ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે, “સંસદ ભવન પર થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા દરમિયાન ઢાલ બનીને ઊભા રહેલા બહાદુર સુરક્ષાકર્મીઓને યાદ કરીને હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું. તેમણે આપણા લોકતંત્રની આત્માની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. તેમનું સાહસ, સર્વોચ્ચ બહીદાન અને કર્તવ્ય પ્રત્યેની અટૂટ ભાવના દેશની ચેતનામાં સદાય જીવંત રહેશે અને ભારતના સંકલ્પને પ્રેરિત કરશે.”
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “સંસદ ભવન પર 2001માં થયેલા દુ:સાહસી આતંકવાદી હુમલા દરમિયાન દેશના સન્માનની રક્ષા કરનારા શહીદ જવાનોને કોટી કોટી નમન અને વિનમ્ર શ્રદ્ધાંજલિ. ભારત તમારું આ બલિદાન હંમેશા યાદ રાખશે અને તેમાંથી દેશપ્રેમની પ્રેરણા લેતો રહેશે.”
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે, “આજ અમારા માટે ઘણો મહત્વપૂર્ણ દિવસ છે, જ્યારે સંસદ પર હુમલો થયો હતો અને તેમાં આપણા જે સુરક્ષા દળો શહીદ થઈ ગયા, તેમને અમે દર વર્ષે સંસદ પરિસરમાં શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અમે ક્યારેય ભૂલી શકીએ નહીં કે જ્યારે આતંકવાદીઓએ લોકતંત્રના આ મંદિર પર હુમલો કર્યો હતો ત્યારે આ બહાદુરોએ પોતાનો જીવ આપીને લોકતંત્રના આ મંદિરને બચાવ્યું હતું. આજે અમે તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ.”
કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ સંસદીય ઇતિહાસનો એક બહુ દુઃખદ દિવસ છે, આ દિવસે આ જ સંસદમાં જે રીતે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આપણી સુરક્ષા દળો અને સંસદના સ્ટાફની સરાહના કરવી પડશે કે તેમણે આતંકવાદીઓનો પૂરો મુકાબલો કર્યો, જેમાં તેઓ શહીદ થઈ ગયા. સંસદ એટલે કે લોકતંત્ર પર હુમલાનો પ્રયાસ હતો, એટલા માટે આ શહીદી દિવસ મનાવવામાં આવે છે, તમામ લોકો શ્રદ્ધાંજલિ આપવા આવે છે.”


