
અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને રથયાત્રા યોજાય છે. અષાઢી બિજને હવે 10થી 12 દિવસ બાકી રહ્યા છે. ત્યારે જગન્નાથજી મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત પોલીસ દ્વારા પણ રથયાત્રાના રૂટ પર ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મ્યુનિ.દ્વારા પણ રથયાત્રાના રૂટ્સ પર ભયજનક મકાનોના મોલિકોને નોટિસ આપવામાં આવી છે. રથયાત્રા રૂટ ઉપર 285 મકાનો ભયજનક છે. જેમાં 109 મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે. તેમાં શહેરના રાયપુર, ખાડિયા, ગોમતીપુરમાં ત્રણ ભયજનક મકાનો ઉતારી લેવાયા છે. જો કે રથયાત્રાના રૂટ પરનું એક જર્જરિત મકાન મોડી રાત્રે ધરાશાયી થયુ હતુ. જેમાં બે માળના મકાનનો જર્જરિત ભાગ તુટી પડ્યો હતો.
શહેરના રાયપુરના ચકલેશ્વર મહાદેવ મંદિર નજીક મોડી રાત્રે એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતુ. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. અને મકાનમાં ફસાયેલા બે લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. મ્યુનિ. કોર્પોરેશને મકાન ઉતારી લેવા અગાઉ નોટિસ આપી હતી.છતા મકાન ઉતારી લેવામાં આવ્યુ ન હતુ.
શહેરમાં મધ્ય ઝોનના 310 ભયજનક મકાનોમાં એકલા દરિયાપુરમાં જ 150 મકાનો છે. રથયાત્રા રૂટ પર આવેલા એક ભયજનક મકાન તથા અન્ય 3 ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા છે. AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગ દ્વારા રાયપુર- ખાડિયા અને ગોમતીપુરમાં ત્રણ ભયજનક મકાનો ઉતારી લેવામાં આવ્યા છે. જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં લઈને કોટ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં ભયનજક મકાનોનો સર્વે હાથ ધરીને ભયજનક મકાનો ઉતારી લેવા નોટિસો અપાઈ છે. મ્યુનિ. દ્વારા ચોમાસા અને જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં લઈને ભયજનક મકાનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. શહેરમાં કુલ 310 જેટલા ભયજનક મકાનો છે અને તે પૈકી રથયાત્રા રૂટ ઉપર 285 ભયજનક મકાનો છે. રથયાત્રા રૂટ સિવાયના વિસ્તારમાં 12 ભયજનક મકાનોના માલિકોને નોટિસ આપીને ઉતારી લેવા સૂચના અપાઈ છે