Site icon Revoi.in

હિન્દી ફિલ્મ જગતના 3 કલાકારને ઈમેલ ઉપર મળી ધમકી, પાકિસ્તાનથી આવ્યો હતો ઈમેલ

Social Share

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને ગાયિકા સુગંધા મિશ્રાને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. આ ધમકી પાકિસ્તાન તરફથી મોકલવામાં આવી છે. આ પછી સંબંધિત કલાકારોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે અમે તમારા પર નજર રાખી રહ્યા છીએ અને એક સંવેદનશીલ બાબત વિશે તમને જાણ કરવી મહત્વપૂર્ણ છે. આ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી કે તમને નારાજ કરવાનો પ્રયાસ નથી. અમે તમને આ સંદેશને અત્યંત ગંભીરતા અને ગુપ્તતા સાથે લેવા વિનંતી કરીએ છીએ. જો તમે તેના પર ધ્યાન નહીં આપો, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે, જે તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનને અસર કરી શકે છે.

ઈ-મેલમાં આગળ જણાવાયું છે કે અમને આગામી 8 કલાકમાં તમારા તરફથી ઝડપી પ્રતિભાવની અપેક્ષા છે, નહીં તો અમે માની લઈશું કે તમે આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા નથી અને અમે જરૂરી પગલાં લઈશું. ઈ-મેલના અંતે વિષ્ણુ લખેલું છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે આ ધમકી પાકિસ્તાનથી મોકલવામાં આવી છે. કલાકારોને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલ બાદ તેમના ચાહકો અને પરિવારના સભ્યો પણ ચિંતિત છે.