
અમદાવાદ અને સુરતમાં ડ્રગ્સના જથ્થા સાથે 3ની ધરપકડ
- અમદાવાદ SOGએ બેની કરી ધરપકડ
- રૂ. 1.70 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત
- રાજસ્થાનથી સુરત ડ્રગ્સ લઈને આવતો ઓરોપી ઝબ્બે
- અન્ય એક આરોપીની ખુલી સંડોવણી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ડ્રગ્સની તસ્કરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન પોલીસે અમદાવાદ ગ્રામ્ય અને સુરતમાંથી કુલ 3 વ્યક્તિઓની લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. તેમજ તેમની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત આરંભી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય SOGએ ચોક્કસ બાતમીના આધારે મહંમદ એઝાઝ મહંમદ જુબેર વોરા (રહે, જુહાપુરા) અને શાહનવાજ અબ્દુલસમદ ગાંગી (રહે, ફતેવાડી, સરખેજ)ને ઝડપી લીધા હતા. આ બંને શખ્સો શાંતિપુરા સર્કલ થઈને સાણંદ ડ્રગ્સ લઈને જતા હોવાની બાતમી મળી હતી. જેથી એસઓજીએ વોચ ગોઠવી હતી.
દરમિયાન સાણંદના તેલાવ ગામ નજીક નર્મદા કેનાલના પુલ ઉપરથી તેમને પકડી લીધા હતા. તેમની પાસેથી 17.50 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું. જેની કિંમત લગભગ 1.70 લાખ જેટલી થાય છે. પોલીસે બંનેને ઝડપી લઈને તેમની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી.
સુરતમાંથી પણ પ્રવીણ બીસનોઈ નામના શખ્સને 5.85 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો હતો. પ્રવીણ બીસનોઈ રાજસ્થાનથી સુરત આવતો હતો. દરમિયાન પુણા નજીક નિયોલ ચોકડી પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં અન્ય એક આરોપીની પણ સંડોવણી સામે આવી છે. તેને ઝડપી લેવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે.