રાજકોટ, 5 જુન, 2026 : 3 children die after drowning in a pond જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામની સીમમાં એક વાડી નજીક આવેલા તળાવમાં શ્રમજીવી પરિવારના ત્રણ બાળકોના ડુબી જતા મોત નિપજ્યા છે. ચાર બાળકો રમતા રમતા તળાવના કિનારે પહોંચી ગયા હતા. અને તળાવમાં પડતા ચારેય બાળકો ડુબી ગયા હતા. જેમાં એક બાળકનો બચાવ થયો હતો. ત્રણ બાળકોના મોતથી શ્રમિક પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, ગોંડલ તાલુકાના શેમળા ગામની સીમમાં આવેલી એક વાડીમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો વાડી નજીક આવેલા ઓરિયા તળાવ પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન રમતા-રમતા અચાનક જ ચારેય બાળકો પગ લપસવાને કારણે અથવા ઊંડાણનો અંદાજ ન આવતા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. બાળકો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ આસપાસના લોકોને થતાં જ વાડી માલિક અને પરિવારના સભ્યો તાત્કાલિક તળાવ તરફ દોડી ગયા હતા. તેમણે ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
બાળકોને પાણીમાંથી બહાર કાઢીને સમય બગાડ્યા વિના તાત્કાલિક એક ખાનગી કાર મારફતે ગોંડલની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ ત્રણેય બાળકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. તબીબોની આ જાહેરાત સાથે જ હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ આક્રંદથી હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
આ ગોઝારી ઘટનામાં ગંભીર રીતે ભોગ બનેલા ચોથા બાળક સાહિલનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેની સ્થિતિ ચિંતાજનક છે. તેને સૌપ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેની તબિયત વધુ લથડતા અને ફેફસામાં પાણી ભરાઈ જવાને કારણે વધુ ગંભીર સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે

