Site icon Revoi.in

રાજકોટમાં ભીમનગર ચોક નજીક TP રોડ પર 33 ગેરકાયદે દબાણો દૂર કરાયા

Social Share

રાજકોટ, 12 મે 2026 :  33 illegal pressures removed મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં જ મ્યુનિ. દ્વારા ફરીવાર દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ મ્યુનિના ટાઉન પ્લાનિંગ વિભાગે ફરીવાર ભીમનગર ચોક નજીક આવેલા ટીપી રોડ પર ખડકાયેલા દબાણોનો હટાવાયા છે. આ કામગીરી દરમિયાન 200 મીટરનાં ટીપી રોડ પરના 33 જેટલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

શહેરના ભીમનગર નજીક 200 મીટરના ટાઉન પ્લાનિંગ (TP) રોડ પર લાંબા સમયથી કાચા-પાકા બાંધકામો અનેના દબાણો ખડકાયેલા હતા. આ દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો અને સ્થાનિકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આરએમસીના કમિશ્નરના કડક આદેશ બાદ ટાઉન પ્લાનિંગ વિભાગની દેખરેખમાં આજે સવારથી બુલડોઝર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિજિલન્સ શાખા અને ફાયર વિભાગની ટીમોને પણ ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત રાખવામાં આવી હતી.

શહેરના ભીમનગર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે  ડિમોલિશન કામગીરીમાં રહેણાંક અને વ્યાવસાયિક હેતુ માટે ખડકાયેલા 33 જેટલા ગેરકાયદે એકમોને તોડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રોડ પર અનેક દબાણો એવા હતા જ્યાં ખુલ્લેઆમ નોનવેજનું વેચાણ પણ કરવામાં આવતું હતું, જેના કારણે આસપાસના રહીશોમાં પણ નારાજગી જોવા મળતી હતી. તંત્ર દ્વારા નોનવેજના વેચાણ કરતા દબાણો સહિત તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

Exit mobile version