
- વિદ્યાર્થીઓને હોમ આઈસોલેટ કરાયાં
- સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનો કરાયો ટેસ્ટ
- શિક્ષકો રાજકોટથી કરતા હતા અપડાઉન
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન હવે હેલ્થ વર્કરની સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલી એક સ્કૂલમાં 38 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો કોરોના સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ વાલીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત આઠ શહેરી વિસ્તારમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે રાજ્યભરમાં સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે.
ચોટીલામાં થાન રોડ ઉપર આવેલી એક જાણીતી સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 38 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકોનો રિપોર્ટ પોઝિટીવ આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. ચોટીલામાં કોવિડ સેન્ટરની હાલ સુવિધા નહીં હોવાથી વિદ્યાર્થીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરન્ટાઈન થવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા. તેમજ હાલ 16252 એક્ટિવ કેસ છે. જે પૈકી 167 દર્દી વેન્ટીલેટર પર છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે.