સુરત, 20 મે, 2026 : 4 dogs attacked children playing શહેરના લિંબાયતના ખાનપુર વિસ્તારમાં રમી રહેલા બાળકો પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. અને તેનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, ગલીમાં તમામ સ્થિતિ બિલકુલ સામાન્ય હતી અને માસૂમ બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ 3થી 4 હિંસક શ્વાન ભસતા-ભસતા ધસી આવે છે અને રમી રહેલા બાળકો પર હિચકારો હુમલો કરી દે છે. કૂતરાઓને પોતાની તરફ આવતા જોઈ બાળકો જીવ બચાવવા ભાગે છે, પરંતુ એક હિંસક શ્વાન દોડીને એક બાળકનો હાથ પકડી લે છે અને તેને ગંભીર રીતે બચકાં ભરી લે છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રખડતા કૂતરાના ત્રાસથી સ્થાનિક રહિશો પરેશાન છે. આ અંગે સ્થાનિક યુવા અગ્રણી સાજીદ કુરેશીએ આ વિસ્તારમાં રખડતા અને કરડતા કૂતરાઓના વધી રહેલા ત્રાસ અંગે ગત 18 મેના રોજ મ્યુનિ.કોર્પોરેશનને ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અને કૂતરાઓને પકડવા માટે માંગ કરી હતી. પરંતુ મ્યુનિએ આ ગંભીર ફરિયાદને તદ્દન હળવાશથી લીધી અને 24 કલાક વીતી જવા છતાં કોઈ જ એક્શન ન લીધા. તંત્રની આ નિષ્ક્રિયતાના બીજા જ દિવસે એટલે કે 19 મેના રોજ ખાનપુરામાં રમી રહેલા બાળકો પર ચાર જેટલા કૂતરાએ હુમલો કર્યો હતો.
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરા માટે સમયસર કોઈ પગલાં ન ભરાતા, કૂતરાઓના હિંસક હુમલામાં માસૂમ બાળકો ગંભીર રીતે ઘવાયા છે. હુમલાનો ભોગ બનેલા બાળકો લોહીલુહાણ હાલતમાં મળી આવતા વાલીઓ અને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો મનપાએ 18 તારીખની ઓનલાઈન ફરિયાદ પર ત્વરિત પગલાં લીધા હોત, તો 19 તારીખે બાળકો આ દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા હોત.
સુરતમાં રખડતા શ્વાનોના આતંકને લઈને સુરત મ્યુનિ.કોર્પોરેશનને ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી રોજની આશરે 25થી 30 જેટલી ફરિયાદો મળી રહી છે, જેમાં શ્વાન કરડવાના (ડોગ બાઈટ) બનાવોથી લઈને રખડતા કૂતરાઓના ત્રાસ અંગેની ફરિયાદો સામેલ છે.

