મોરબી, 26 મે, 2026 : 4 killed as Ecocar collides with truck રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે આજે મોરબીથી કચ્છ જતા હાઈવે પર માળિયાના હરિપર ગામ નજીક ઈકોકાર ડિવાઈર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ઈકોકારમાં પ્રવાસ કરી રહેલા માસુમ બાળક સહિત ચારના મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
મોરબી-કચ્છ હાઈવે પર માળિયા (મી) તાલુકાના હરિપર ગામ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કચ્છમાં મા આશાપુરાના દર્શન કરીને પરત ફરી રહેલા દીવના એક જ પરિવારની ઈકો કારનું ટાયર અચાનક ફાટતાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ઈકોકાર ડિવાઇડર કૂદીને સામેની લેનમાં ધસી ગઈ હતી અને સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બે માસૂમ બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મૂળ ગીર સોમનાથના અને હાલ દીવ ખાતે રહેતા કાપડિયા પરિવારના સભ્યો પોતાની ઈકો કાર લઈને કચ્છમાં માતાના મઢે દર્શન કરવા માટે ગયા હતા. માતાજીના દર્શન કરીને આખો પરિવાર અત્યંત ખુશી સાથે દીવ તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન માળિયા તાલુકાના હરિપર ગામના પાટિયા પાસેથી પસાર થતી વખતે ઈકોકારનું ટાયર અચાનક ફાટી જતાં ચાલક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ઈકોકાર ડિવાઇડર કૂદી સામેના ટ્રેક પર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકો ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ ગમખ્વાર દુર્ઘટનામાં ઈકો કારમાં સવાર કુલ છ વ્યક્તિઓમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતની જોરદાર બાંગ સાંભળીને આજુબાજુના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ માળિયા તાલુકા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી કારમાં ફસાયેલા મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. મૃતકોના નામ ભરતકુમાર વીરજીભાઈ બાંભણિયા (ઉં.વ. 40) – કાર ચાલક (રહે. રામનગર, ખરા વિસ્તાર, દીવ, મૂળ ગીર સોમનાથ), કંચનબેન વિરજીભાઈ બાંભણિયા (ઉં.વ. 60), જીવાંશુ મનોજ કાપડિયા (ઉં.વ. 7) અને મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (ઉં.વ. 50) હોવાનું જાણવા મળ્યુ છે.

