નવી દિલ્હીઃ સિક્કિમમાં ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થતાં 4 લોકોના મૃત્યુ થયાં, જ્યારે ત્રણે લોકો હજુ પણ લાપતા છે. હાલમાં લાપતા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ વચ્ચે પ્રશાસન દ્વારા જોખમી વિસ્તારોના નિવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
પશ્ચિમ સિક્કિમના યાંગથાંગ વિધાનસભા વિસ્તારમાંના અપ્પર રિમ્બીમાં ગુરુવારે મોડીરાત્રે ભૂસ્ખલનની ઘટના બની હતી. જાણ થતા જ પોલીસ, સ્થાનિક લોકો અને સશસ્ત્ર સરહદ બળ (એસએસબી)ના જવાનોએ સાથે મળી રાહત અને બચાવ અભિયાન શરૂ કર્યું છે.
આ દરમિયાન, પોલીસે હુમ નદી પર અસ્થાયી પુલ બનાવીને બે ઘાયલ મહિલાઓને બચાવ્યા. બંનેને તરત જ જીલ્લા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા, પરંતુ એક મહિલાનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. બીજી મહિલા હજુ પણ ગંભીર સ્થિતિમાં છે.
ગયેઝિંગના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ત્સેરિંગ શર્પાએ જણાવ્યું કે ભૂસ્ખલનમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે એક અન્યનું હોસ્પિટલમાં મોત થયું. મૃતકોની ઓળખ બીમ પ્રસાદ લિંબુ (53 વર્ષ), તેમની બહેન અનિતા લિંબુ (46 વર્ષ), તેમના જમાઈ બિમલ રાય (50 વર્ષ) અને સાત વર્ષીય પૌત્રી અંજલ રાય તરીકે થઈ છે.
યાંગથાંગના સ્થાનિક વિધાનસભા સભ્ય અને શ્રમ મંત્રી બીમ હાંગ લિંબુ રાતે લગભગ 2 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કાર્યનું નેતૃત્વ કર્યું. તેમણે ભારે વરસાદ અને તૂટેલા થકી આવેલા પડકારોની ચર્ચા કરતા જણાવ્યું કે સંકલિત પ્રયાસોથી પીડિતોને બહાર લાવવામાં સફળતા મળી. તે પહેલાં, સોમવારે મધ્યરાત્રે સિક્કિમના ગ્યાલશિંગ જિલ્લામાં ભૂસ્ખલન થયું હતું, જેમાં થાંગશિંગ ગામના 45 વર્ષીય વિષ્ણુનું મૃત્યુ થઈ હતું.