
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદા કેનાલને કારણે સિંચાઈનો લાભ મળતો હોવાથી જિલ્લાના ખેડુતો સમૃદ્ધ બની રહ્યા છે. ખરીફ પાકનું સારૂ ઉત્પાદન મેળવ્યા બાદ હવે ખેડુતો રવિ સીઝનની વાવણીમાં જોતરાયા છે, જિલ્લામાં 49304 હેટકરમાં રવિપાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. જેમાં આ વખતે ચણાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે જીરૂ અને વરિયાળીના વાવેતરમાં વધારો થયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે. ઉત્તમ ગુણવતાના કપાસની દેશ વિદેશમાં પણ માંગ છે. ત્યારે ખાસ કરીને શિયાળુ પાકમાં જીરૂના પાકનું વાવેતર પણ ખેડુતો કરવા લાગ્યા છે. આ વર્ષે શિયાળુ વાવેતરની પેટર્ન બદલાઇ છે. કારણ કે દર વર્ષે જિલ્લામાં જીરૂ અને ચણાનું સૌથી વધુ વાવેતર થતુ હોય છે પરંતુ આ વર્ષે પાછોતરો વરસાદ ન થતાં બિનપિયત વિસ્તારોમાં ચણાના વાવેતરમાં ઘટાડો થયો છે. જ્યારે રોકડિયા પાક ગણાતાં જીરૂ અને વરિયાળીના પાકનું સૌથી વધુ વાવેતર થયુ છે. જિલ્લામાં દર વર્ષે અંદાજે 6,24,456 લાખ હેકટરથી વધુ જમીનમાં શિયાળુ વાવેતર કરાય છે. ગત વર્ષે નવેમ્બરના મધ્ય સુધીમાં 45,721 હેકટરમાં કુલ વાવેતર કરાયું હતું. જ્યારે આ વર્ષે 49,304 હેકટર જમીનમાં શિયાળુ વાવેતર કરાયું છે. ગત વર્ષની સરખામણીએ જોઇએ તો આ વર્ષે શિયાળુ વાવેતરમાં શરૂઆતમાં 3583 હેક્ટરનો વધારો થયો છે. દર વર્ષે શિયાળુ વાવેતરમાં જીરૂ અને ચણાનું પ્રમાણ વધુ હોય છે. ગત વર્ષે જિલ્લામાં જીરૂનું 9937 હેકટરમાં વાવેતર થયું હતું. જ્યારે આ વર્ષે 18021 હેકટરમાં વાવેતર થયું છે. જે જોતા જીરૂના વાવેતરમાં 8084નો વધારો થયો છે.
જ્યારે ગત વર્ષે 13265 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે માત્ર 2248 હેકટરમાં જ ચણાનું વાવેતર થયું છે. આમ 11017 હેક્ટરનો ઘટાડો થયો છે. પરંતુ તેની સામે આ વખતે ગત વર્ષ કરતાં 12,442 હેક્ટરમાં વરિયાળી, 2034 હેક્ટરમાં ધાણા અને જીરૂનું 8084 હેક્ટરમાં વાવેતર વધ્યું છે. આમ જિલ્લામાં આ વખતે શિયાળુ પાકના વાવેતરની પેટર્ન બદલાતાં મુખ્ય પાકોના વાવેતરમાં જબરજસ્ત વઘ-ઘટ નોંધાઇ છે. તો ધાણાની સાથે વરીયાળીનું વાવેતર પણ વધ્યું છે. શિયાળુ વાવેતરની સિઝન ડિસેમ્બરના મધ્ય સુધી હોય છે. કપાસનો પાક ઉભો છે, તે ઉતારી લીધા બાદ વધુ વાવેતર કરે તેવી શકયતા છે. (FILE PHOTO)