
અમદાવાદમાં ટ્રાફિકનો ભંગ કરનારા 530 વાહનચાલકોને ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી દંડ ભરવો પડ્યો
અમદાવાદ : શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન જળવાય રહે તે માટે ટ્રાફિક પોલીસ સતર્ક બની છે. ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો સામે બેન્કના ટેબિટ કે કેડ્રિટ કાર્ડ દ્વારા દંડ વસુલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો દંડ ભરે તેના માટે થઈને ટ્રાફિક પોલીસ અનેક વખત નવતર પ્રયોગો કરી ચૂકી છે. જેમાં પી.ઓ.એસ મશીન પણ એક છે. જેના દ્વારા અમદાવાદીઓ હવે દંડ ભરવા માટે રોકડા રૂપિયા નથી તેવા બહાના હવે નહિ બતાવી શકે.
શહેરના લોકો ટ્રાફિકની વ્યવસ્થાને લઈને હજી સુધી જાગૃત નથી થયા. જેના કારણે શહેરીજનોના ખિસ્સામાંથી લાખો અને કરોડો રૂપિયાનો દંડ ચૂકવાઈ રહ્યો છે અને આજ દંડની ચૂકવણીને લઈને વાહન ચાલકો સ્થળ પર રોકડ રકમ આપવાથી લઈને અનેક વખત ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે તકરાર કરતા હોય છે. આવા અનેક કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના અલગ અલગ ટ્રાફિકના 5 પોલીસ સ્ટેશનમાં આવતા અલગ અલગ 120 જેટલા પોઇન્ટ ઉપર હાજર ટ્રાફિક કર્મીઓને POS મશીન આપવામાં આવ્યા છે. જેના દ્વારા ડિજીટલ પૅમેન્ટ થકી દંડ વસૂલી રહ્યા છે.
POS મશીન શરૂ થયાને હજી તો બે દિવસ થયા છે. ત્યાં બે દિવસમાં જ 530 અમદાવાદીઓ પાસેથી 2 લાખ 80 હજારનો દંડ POS મશીન મારફતે વસૂલાયો છે. આ 530 લોકો એવા છે, જેમણે ટ્રાફિક નિયોમો ભંગ કર્યા હતા અને જેમની પાસે રોકડ રકમ ન હતી અને બહાનું ના ચલતા અંતે તેને કાર્ડ મારફતે પેમેન્ટ કરવાનો વારો આવ્યો હતો.
ટ્રાફિક વિભાગનો આ નવતર પ્રયોગ કેટલો ફાયદાકારક નીવડે છે તે તો આવનારો સમય જ બતાવશે. પણ અત્યાર સુધી વાહન ચાલકોની રોકડ રકમ સ્વરૂપેનો દંડ ભરતી વખતે બહાના બાજી ચાલતી હતી, તે હવે નહિ ચાલે. રોકડ રકમ વાહન ચાલક પાસે નહિ હોય તો કાર્ડ મારફતે પણ પોલીસે દંડ વસૂલી શકશે.