
ગુજરાતમાં ધો-10 બોર્ડનું 82.56 પરિણામ જાહેર, ગત વર્ષની સરખામણીએ 18 ટકા ઉંચુ પરિણામ
અમદાવાદઃ માર્ચ 2024માં લેવાયેલી ધો 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું બે દિવસ પહેલા જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે ધો-10ની બોર્ડની પરીક્ષાનું જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ 2024માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું 82.56 ટકા જેટલુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ 17.94 ટકા જેટલું ઉંચુ પરિણામ આવ્યું છે. ગયા વર્ષ લગભગ 64.62 ટકા જેટલુ પરિણામ જાહેર થયું હતું.
આ વર્ષે ધોરણ 10માં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત બોર્ડની GSEB.ORG પર રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-10ના પરિણામમાં વિદ્યાર્થિનીઓએ મારી બાજી છે. વિદ્યાર્થીનું 79.12 ટકા, વિદ્યાર્થિનીઓનું 86.69 ટકા પરિણામ આવ્યું છે.
ગત વર્ષે ધોરણ 10માં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત હતો, જ્યારે ચાલુ વર્ષે ગાંધીનગર સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22 ટકા પરિણામ આવ્યું છે સૌથી ઓછું પરિણામ વર્ષ 2024માં પોરબંદરનું 74.57% આવ્યું છે, વર્ષ 2023માં સૌથી નીચું પરિણામ ધરાવતા જિલ્લામાં દાહોદ હતું. ચાલુ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ C-1 ગ્રેડમાં પાસ થયા છે, જ્યારે A-1 ગ્રેડમાં 23247, A-2 ગ્રેડમાં 78893, B-1 ગ્રેડમાં 118710 અને B-2 ગ્રેડમાં 143894 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે.
માધ્યમ પ્રમાણે પરિણામ પર નજર કરીએ તો સૌથી ઊંચું અંગ્રેજી માધ્યમનું 92.52 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું 81.17 ટકા પરિણામ આવ્યું છે. હિન્દી અને મરાઠી માધ્યમમાં અનુક્રમે 75.90 અને 77.99 ટકા પરિણામ આવ્યું છે.