1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના કેસ ઘટતા હવે અમદાવાદથી 90 ટકા ટ્રેનો 15મી જુલાઈ સુધીમાં શરૂ થઈ જશે

કોરોનાના કેસ ઘટતા હવે અમદાવાદથી 90 ટકા ટ્રેનો 15મી જુલાઈ સુધીમાં શરૂ થઈ જશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે ટ્રેન વ્યવહાર પૂર્વવત બની રહ્યો છે. અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનેથી ઉપડતી કે પસાર થતી 200થી વધુ મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાંથી હાલ 50 ટકા જેટલી ટ્રેનો દોડે છે અને ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ તબક્કાવાર બાકીની ટ્રેન શરૂ કરશે. 15 જુલાઈ સુધીમાં અમદાવાદની 90 ટકાથી વધુ ટ્રેનો શરૂ થઈ જવાની શક્યતા છે. જો કે મેમુ, ડેમુ અને લોકલ ટ્રેનો ક્યારથી શરૂ કરવી તે અંગે રેલવેએ અંતિમ નિર્ણય લીધો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં માર્ચ 2020માં કોરોનાના કેસ શરૂ થતાં સરકારે ટ્રેનોનું સંચાલન બંધ કરી દીધું હતું. જો કે અનલોક બાદ જૂન 2020થી ટ્રેનો શરૂ કરાઈ હતી, પરંતુ ત્યારથી રેગ્યુલર ટ્રેનોના બદલે સ્પેશિયલ ટ્રેનો દોડાવાઇ રહી છે. હાલની સ્થિતિમાં કોરોનાના કેસો ઘટતા મોટી સંખ્યામાં શ્રમિકો શહેરોમાં પરત ફરી રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતમાં આવતી ટ્રેનો હાઉસફુલ છે. હાલ દોડતી ટ્રેનો સંપૂર્ણ રિઝર્વેશન સાથે દોડતી હોવાથી અનેક પેસેન્જરને કન્ફર્મ ટિકિટ મળતી નથી. જે રૂટની ટ્રેનોમાં હાલ લાંબું વેઈટિંગ લિસ્ટ હોય તેવા રૂટ પર રેલવેએ પ્રાથમિકતાના ધોરણે વધુ ટ્રેનો શરૂ કરી છે અને અમદાવાદની 90 ટકાથી વધુ ટ્રેનો શરૂ થઈ જશે.

શહેરના સાબરમતી સ્ટેશનને ટર્મિનસ તરીકે ડેવલપ કર્યા બાદ રેલવેએ અમદાવાદ-આગરા સુપરફાસ્ટ અને અમદાવાદ-ગ્વાલિયર સુપરફાસ્ટ ટ્રેનને સાબરમતીથી સંચાલિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપતાં આગામી દિવસોમાં આ બંને ટ્રેનો સાબરમતી સુધી જ આવીને ત્યાંથી જ પરત ફરશે. ડિવિઝને ઉત્તર ભારત તરફ જતી કેટલીક ટ્રેનોને પણ સાબરમતીથી ઓપરેટ કરવાનો રેલવે બોર્ડ સમક્ષ પ્રસ્તાવ મુક્યો છે.

સ્પેશિયલ ટ્રેનોને 7 જુલાઇથી મણિનગર, સાબરમતી અને આદિપુર સ્ટેશને 2 મિનિટનું સ્ટોપેજ આપ્યું છે. જેમાં સિકંદરાબાદ-રાજકોટ, કોઈમ્બતુર-રાજકોટ, કોલકાતા-ભાવનગર, ગોરખપુર-ઓખા, પૂણે-ભગતકી કોઠી, પૂણે-ભુજ, જબલપુર-સોમનાથ, યશવંતપુર-અમદાવાદ, એર્નાકુલમ-ઓખા, થિરુવનંતપુરમ-વેરાવળ, નાગરકોઇલ-ગાંધીધામ, ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, દાદર-ભુજ, ભુજ-દાદર સ્પેશિયલ ટ્રેનો મણિનગર ખાતે ઉભી રહેશે. જ્યારે અમદાવાદ-દિલ્હી આશ્રમ, દિલ્હી-અમદાવાદ આશ્રમ, પુરી-અજમેર સાબરમતી ખાતે અને બાંદ્રા-ભુજ, ભુજ-બાન્દ્રા, દાદર-ભુજ આદિપુર ખાતે બે મિનિટ થોભશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code