
ગુજરાતના વિકાસની યાત્રા અટકાવાની કોંગ્રેસે કોશિશ કરી હતીઃ સી.આર.પાટીલ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. દરમિયાન ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ “ગુજરાત મક્કમ, ભાજપ અડીખમ”ના સ્લોગન સાથે ભાજપ દ્વારા થીમ લોગો અને થીમ સોન્ગ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગ્રે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તેમજ હાલ ફોર્મ ચકાસણી શરૂ કરાઈ છે. દરમિયાન ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે. આ વખતે ભાજપે ગુજરાત મક્કમ, ભાજપ અડીખમ સુત્ર આપ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતુ કે, કોંગ્રેસે ભાજપનો નહીં પરંતુ ગુજરાતની વિકાસ યાત્રાનો વિરોધ કરે છે. પરંતુ ભાજપ મક્કમ રહ્યું હતું. શ્રી રામ મંદિરના નિર્માણને અટકાવવાનું, નર્મદા યોજના અટકાવવાનું, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, કાંકરિયા લેક ફ્રન્ટ, SVP હોસ્પિટલ, BRTS, સુજલામ સુફલામ યોજનાના, ત્રિપલ તલાક, કોરોના કાળમાં સરકારની કામગીરીનાં વિરોધનું પાપ કોંગ્રેસે કર્યું હતું. પરંતુ ભાજપ મક્કમ રહી હતી. કોંગ્રેસે ભારતીય સૈના અને નાગરિકોનો પણ વિરોધ કરીને પાપ કર્યું છે.