 
                                    અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 જિલ્લામાં નવા નિર્માણ થનારા ચેરિટી કચેરી ભવનોના ઇ-ખાતમૂર્હત કરતાં જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાસભર ચેરિટી કચેરી ભવનો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી આ આઠ ભવનોની ખાતમૂર્હત વિધિ વિડીયો કોન્ફરન્સથી સંપન્ન કરી હતી. ગીર સોમનાથના વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબી એમ 8 સ્થળોએ કુલ રૂ. 22 કરોડના ખર્ચે આ ચેરિટી કચેરી ભવનોનું નિર્માણ હાથ ધરાશે.
રાજ્યના ચેરિટી તંત્રએ ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના કરતા હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે. હવે, આ નવી બનનારી ચેરિટી કચેરીઓના ભવનોના કારણે લિટીગન્સને સરળતાથી ન્યાય મળશે. ઉપરાંત, આધુનિક ભવનો થવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું તેનું પણ નિવારણ આવશે.
કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજયના તમામ ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોનો વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી આવા ટ્રસ્ટોની મિલકતો સમાજના હિતમાં ઉપયોગી થાય અને વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુથી રાજયના ચેરિટીતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ વધુ આઠ જીલ્લાઓમાં ચેરિટી કચેરીઓના નવા ભવનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ઓનલાઇન ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજયમાં ચેરિટીતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આ નિર્ણય કરાયો છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

