1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર તમિલ સંગમ: તમિલનાડુના પંડિતોએ દરિયામાં સ્થિત શિવલિંગ પર વિશેષ અભિષેક કર્યો
સૌરાષ્ટ્ર તમિલ સંગમ: તમિલનાડુના પંડિતોએ દરિયામાં સ્થિત શિવલિંગ પર વિશેષ અભિષેક કર્યો

સૌરાષ્ટ્ર તમિલ સંગમ: તમિલનાડુના પંડિતોએ દરિયામાં સ્થિત શિવલિંગ પર વિશેષ અભિષેક કર્યો

0
Social Share

અમદાવાદઃ સોમનાથ પાસે ભીડિયા વિસ્તારમાં ભીડભંજન મહાદેવ પાસે દરિયામાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલા છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમ માટે તમિલનાડુથી ખાસ આવેલા પંડિતોએ અહીં બાણગંગા તરીકે પ્રચલિત શિવલિંગ પર શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અભિષેક કર્યો હતો. આ સાથે સંગમમની સફળતા માટે પ્રાર્થના કરીને શુભકામનાઓ પાઠવી હતી.

તમિલનાડુના પલાની વિસ્તામાં આવેલા કાર્તિકેય મંદિરના પૂજારી અરૂણજીએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમમ એ બંને રાજ્યોને જોડતો એક અનોખો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ માટે અમે 120થી વધુ પંડિતો અહીં આવ્યા છીએ તેમજ આ કાર્યક્રમ ખૂબ સફળ થાય, તે માટે અમે મહાદેવને અભિષેક કર્યો છે. આ સંગમમ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને બળવત્તર બનાવશે એમ તેમણે ઉમેર્યું હતું.

જ્યારે તમિલનાડુના કોઈમ્બતુરથી આવેલા, અમ્બાલ મંદિરના પંડિત યોગેશ ગણપતિએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમમ માટે અમે અહીં આવ્યા છીએ, તો અમને ખૂબ જ આદર સત્કાર મળ્યો છે. આ કાર્યક્રમથી બંને રાજ્યના લોકોમાં સહયોગ અને એકતાની ભાવનાને બળવત્તર બનાવશે. બંને રાજ્યના લોકો એકબીજાની સંસ્કૃતિ, રીતિરિવાજોને જાણી શકશે.

તમિલનાડુના ઇરોડ જિલ્લાથી આવેલી એન્જિનિયરિંગની વિદ્યાર્થિની સોબિયા જણાવે છે કે, પોતે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ માટે અહીં આયોજિત આદિરૂદ્ર મહાયજ્ઞમાં ભાગ લેવા તે પરિવાર સાથે આવી છે. અહીં કોઈપણ દર્શનાર્થી મંદિરોમાં સરળતાથી દર્શન કરી શકે છે, તે જોઈને અમને ખૂબ સારું લાગ્યું છે. અહીંના લોકો ખૂબ માયાળુ અને મળતાવડા છે. અહીં આવીને અમને ગુજરાતની સંસ્કૃતિ, તીર્થસ્થળો, ધર્મ, પરંપરા વિશે જોવા જાણવા મળ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code