 
                                    જામનગરઃ બોરવેલમાં બોરવેલમાં 10 ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકનો બચાવ
અમદાવાદઃ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોરાણા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ રમતા રમતા ચણાના ખેતરમાં પહોંચ્યો હતો અને ચણા ભરેલા ખેતરમાં અચાનક જ ખુલ્લા બસો ફૂટ ઊંડા બોરવેલમાં બાળક ગરકાવ થતા તેના માતા-પિતાને આ ઘટનાની જાણ થઈ હતી.
બાળકના માતા પિતાએ તુરંત જ ગામના આગેવાનો અને સરપંચને જાણ કરી અને તેમના દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા જામનગર જિલ્લાના વહીવટી તંત્રનો તમામ કાફલો ઘટના સ્થળે રેસ્ક્યુ માટે પહોંચ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ઓફિસર રાકેશ ગોકાણી અને કામિલ મહેતાની ટીમ સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચી બોરવેલમાં 10 ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકના બંને હાથ દોરીથી બાંધી લઈ તેને એક જગ્યાએ સ્થિર કરવામાં આવ્યો. બાળક 10 થી 12 ફૂટ ઉંડે બોરવેલમાં ફસાયો હતો. જેના પગલે જેસીબીથી નજીકમાં ખાડો ખોદવામાં આવ્યો હતો. બાળકને બોરવેલમાં ઓક્સિજન પણ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ રિલાયન્સ સહિતની ફાયરની અનેક ટીમો ઓપરેશનમાં જોડાઈ અને 108 ની મદદથી બોરવેલમાં રહેલ બાળકને સતત ઓક્સિજન પૂરો પાડી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. નવ કલાકની જહેમત બાદ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે બાળકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતુ.
બાળકને બાળકને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હાલમાં બાળકની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બોરવેલમાંથી બાળક જીવિત બહાર નીકળતા તેના માતા-પિતા અને રેસ્ક્યુ કરનાર તમામ લોકોમાં એક ખુશીનો આનંદ જોવા મળ્યો હતો.અને બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

