1. Home
  2. ગુજરાતી
  3. T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: અક્ષર પટેલને મોટી જવાબદારી સોંપાઈ
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: અક્ષર પટેલને મોટી જવાબદારી સોંપાઈ

T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: અક્ષર પટેલને મોટી જવાબદારી સોંપાઈ

0
Social Share

મુંબઈ: BCCI એ આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પસંદગી સમિતિએ આ વખતે અનેક ચોંકાવનારા નિર્ણયો લીધા છે, જેમાં સૌથી મોટો નિર્ણય શુભમન ગિલને ટીમમાંથી બહાર રાખવાનો છે. ટીમની કમાન અપેક્ષા મુજબ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, પરંતુ વાઈસ કેપ્ટન તરીકે ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલની પસંદગી કરીને બોર્ડે સૌને ચોંકાવી દીધા છે.

આ ટીમ પસંદગીમાં સૌથી મોટો ઉલટફેર ઓપનિંગ જોડી અને મિડલ ઓર્ડરમાં જોવા મળ્યો છે. વન-ડે અને ટેસ્ટમાં કેપ્ટનશિપ સંભાળતા શુભમન ગિલને T20 ફોર્મેટના વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો નથી. ગિલના સ્થાને સતત અવગણનાનો શિકાર બનતા સંજુ સેમસન પર પસંદગીકારોએ વિશ્વાસ મૂક્યો છે. બીજી તરફ, ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT 2025) માં ચેમ્પિયન બનાવનાર અને ફાઈનલમાં વિસ્ફોટક સદી ફટકારનાર ઈશાન કિશનને તેના દમદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે.

સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની અનુભવી રમત અને મેદાન પરની ચોકસાઈને ધ્યાનમાં રાખીને BCCI એ તેમને આ મોટી જવાબદારી સોંપી છે. સ્પિન વિભાગની વાત કરીએ તો, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવની જોડી મેદાન પર ‘સ્પિન એટેક’ તરીકે કમાલ કરતી જોવા મળશે. આ મહત્વની ટીમ પસંદ કરવા માટે BCCI ના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પૂર્વ ક્રિકેટર આર.પી. સિંહ સહિતના સભ્યોની એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં ખેલાડીઓના તાજેતરના ફોર્મ અને ફિટનેસને આધારે ૨૦૨૬ના વર્લ્ડ કપ માટેનું રોડમેપ તૈયાર કરવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code