1. Home
  2. revoinews
  3. સાબરકાંઠાના ચિતરીયા ગામનાં બાળકો-વિદ્યાર્થીઓ માટે હવે લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ
સાબરકાંઠાના ચિતરીયા ગામનાં બાળકો-વિદ્યાર્થીઓ માટે હવે લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ

સાબરકાંઠાના ચિતરીયા ગામનાં બાળકો-વિદ્યાર્થીઓ માટે હવે લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ

0
Social Share

[અલકેશ પટેલ] ચિતરીયા (સાબરકાંઠા), 19 જાન્યુઆરી, 2026ઃ Library facilities for Chitriya village in Sabarkantha ગુજરાત સહિત ભારતમાં સીએસઆર (CSR – Corporate Social Responsibility) શબ્દ હવે પ્રચલિત છે. ઉદ્યોગગૃહો બિઝનેસ ઉપરાંત સામાજિક જવાબદારી નિભાવવા ભંડોળની ફાળવણી કરે અને તેના દ્વારા વિવિધ સામાજિક કાર્યો, મહિલા લક્ષી કાર્યો, પર્યાવરણનાં કામો વગેરે થાય. પણ આજે હવે સીએસઆર માટે એક નવો શબ્દપ્રયોગ કરવાનો પણ સમય છે. આ સીએસઆર એટલે કોમ્યુનિટિ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, અર્થાત સમુદાય પ્રત્યેની સામાજિક જવાબદારી.

જે અંતર્ગત 18 જાન્યુઆરીને રવિવારે ચિતરીયામાં એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી ક્ષણ ઉજવાઈ. ગામનાં બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલો માટે જ્ઞાનના દ્વાર ખોલતી શ્રી સરસ્વતી સાર્વજનિક લાઇબ્રેરીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરી ગામના શિક્ષણ અને સાંસ્કૃતિક વિકાસમાં નવો અધ્યાય ઉમેરશે. જિલ્લા સદસ્ય લીનાબેન નિનામા અને ચિતરીયા ગામ સર્વાંગી વિકાસ કમિટીના અથાગ પ્રયત્નોને કારણે આજે ગામમાં લાઇબ્રેરી બનાવવાનું સપનું સાકાર થયું છે. તેમના અને ગામના અન્ય આગેવાનોના સમર્પિત પ્રયાસોએ આ શિક્ષણલક્ષી પ્રોજેક્ટને વાસ્તવિકતામાં પરિવર્તિત કર્યો છે.

Library facilities for Chitriya village in Sabarkantha
Library facilities for Chitriya village in Sabarkantha

લાઇબ્રેરીનું સ્વપ્ન કેવી રીતે સાકાર થયું?

મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિતરીયા ગામના રેશ્માબેન આ CSR પાછળનાં મુખ્ય પરિબળ છે અને તેમણે પોતાની સમુદાય પ્રત્યેની સામાજિક જવાબદારી નિભાવી છે. માહિતી ખાતાના અધિકારી રેશ્માબેન નિનામાએ એક વખત ધનસુરામાં આવી જ એક લાઇબ્રેરીના ઉદ્દઘાટન સમયે ગુજરાત રાજ્ય ગ્રંથાલય નિયામક ડૉ. પંકજભાઈ ગોસ્વામી સમક્ષ ચિતરીયા ગામમાં પણ લાઇબ્રેરીની જરૂરિયાતની વાત કરી હતી. ડૉ. ગોસ્વામીએ તરત જ એ માટે સંમતિ આપી હતી. આ અંગે રિવોઈ સાથે ખાસ વાતચીત કરતા રેશ્માબેન નિનામાએ કહ્યું કે, હું જ્યારે જ્યારે મારા ગામમાં જઉં ત્યારે જોઉં કે આદિવાસી બાળકો રમતગતમમાં તો અવ્વલ હતા, પરંતુ અભ્યાસમાં પાછળ રહી જતા હતા. અને ત્યારે મને લાગ્યું હતું કે આ બાળકો-વિદ્યાર્થીઓને લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ જેથી તેઓ રમતની સાથે અભ્યાસમાં પણ આગળ આવી શકે. અને હવે ગામમાં લાઇબ્રેરી શરૂ થઈ જતાં સ્વપ્ન સાકાર થયું છે.

લાઇબ્રેરીમાં ઉપલબ્ધ સુવિધાઓ

ચિતરીયા ગામની લાઇબ્રેરીમાં તમામ વય જૂથના લોકોના રસ અને જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારનાં પુસ્તકો, સામયિકો તથા અન્ય વાંચન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાળસાહિત્યથી લઈને જ્ઞાનવર્ધક ગ્રંથો, સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, સ્વ-વિકાસ તથા સ્થાનિક સંસ્કૃતિ સંબંધિત પુસ્તકો સહિત વિશાળ સંગ્રહ ગોઠવાયો છે. આ લાઇબ્રેરી ગામના નાગરિકો માટે જ્ઞાનપ્રાપ્તિનું મુખ્ય કેન્દ્ર બનશે.

લાઇબ્રેરી એ માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી, પરંતુ સમાજના બૌદ્ધિક તેમજ સાંસ્કૃતિક વિકાસનું મુખ્ય કેન્દ્ર છે, જે જ્ઞાનનો ભંડાર બનીને વ્યક્તિને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે; ખાસ કરીને ગામડાઓમાં તેનું મહત્ત્વ અનેરું છે કારણ કે તે બાળકો તથા યુવાનોમાં વાંચનની આદત ઊભી કરી તેમના શૈક્ષણિક પ્રદર્શન અને વ્યક્તિત્વ વિકાસમાં મદદ કરે છે. મહિલાઓ તથા વડીલો માટે જ્ઞાન અને મનોરંજનનું સાધન બની તેમનું જીવન સમૃદ્ધ બનાવે છે. સમાજમાં જાગૃતિ, સમજણ તથા સંવાદ વધારી સર્વાંગી વિકાસ સાધે છે. ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ અને પુસ્તકીય જ્ઞાનની પહોંચ વધારી અસમાનતા ઘટાડે છે અને સરસ્વતી દેવીના નામે સમર્પિત આ લાઇબ્રેરી જ્ઞાન, બુદ્ધિ તથા વિદ્યાનું જીવંત પ્રતીક બની રહેશે.

Library facilities for Chitriya village in Sabarkantha
Library facilities for Chitriya village in Sabarkantha

આ ભવ્ય ઉદ્દઘાટન કાર્યક્રમમાં ચિતરીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મેરાબેન નિનામા, જિલ્લા સદસ્ય શ્રીમતી લીનાબેન નિનામા, ગુજરાત રાજ્ય ગ્રંથાલય નિયામક ડૉ. પંકજ ગોસ્વામી, જિલ્લા ગ્રંથપાલ  સુભાષભાઈ પટેલ, સંગઠન પ્રમુખ  પરેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી  બોદર સાહેબ, તાલુકા સદસ્ય  કે. સી. પંચાલ, પૂર્વ સંગઠન તાલુકા પ્રમુખ  મયુરભાઈ પટેલ, મહામંત્રી કિરીટભાઈ સડાત, જિલ્લા મહિલા મંત્રી શ્રીમતી સૂર્યાબેન ભટ્ટ, સિનિયર કાર્યકર્તા આર. ડી. પટેલ તેમજ ચિતરીયા ગામ સર્વાંગી વિકાસ કમિટીના આગેવાનો, ગામની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વને ગુજરાતીમાં ઉતારવાનું ભગીરથ કાર્ય પૂર્ણ, હવે 15 ગ્રંથ ઉપલબ્ધ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code