જુઓ VIDEO: યુપીના નાયબ મુખ્યમંત્રી મંચ ઉપર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, શું હતું કારણ?
લખનૌ, 23 જાન્યુઆરી, 2026 – UP Deputy Chief Minister burst into tears ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં વક્તવ્ય દરમિયાન ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. તેમની એ ક્ષણનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અહેવાલો મુજબ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતીની પૂર્વ સંધ્યાએ આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી સીએમ (નાયબ મુખ્યમંત્રી) પોતાના ભૂતકાળ અને સંઘર્ષોને યાદ કરીને એટલા ભાવુક થઈ ગયા કે તેમની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. મંચ પર હાજર લોકો અને સામે બેઠેલા દર્શકો તેમને આ રીતે ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોઈને સ્તબ્ધ થઈ ગયા.
મેરઠમાં યોજાયેલા એક કવિ સંમેલનમાં નાયબ સીએમ બ્રજેશ પાઠક પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરીને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. નાયબ સીએમે જણાવ્યું કે, “ક્યારેક શિયાળામાં પહેરવા માટે બૂટ નહોતા, તો ક્યારેક ચંપલ પણ નહોતી મળતી.”
બ્રજેશ પાઠકે કહ્યું કે તેમનું જીવન અભાવો અને આકરા સંઘર્ષો વચ્ચે વીત્યું છે. ભાવુક થતાં તેમણે જણાવ્યું, “જ્યારે પણ હું રસ્તા પર કોઈ ગરીબને પરેશાન જોઉં છું ત્યારે મારું દિલ દુખી થઈ જાય છે, કારણ કે મેં તે પીડા પોતે અનુભવી છે.” પોતાના બાળપણ અને યુવાનીના દિવસોનો ઉલ્લેખ કરતા નાયબ મુુખ્યમંત્રીએ અભાવોની એક એવી તસવીર રજૂ કરી જેણે સૌની આંખો ભીની કરી દીધી. તેમણે જણાવ્યું, “સંઘર્ષના દિવસોમાં એવી સ્થિતિ હતી કે ક્યારેક શિયાળા માટે બૂટ હતા તો ક્યારેક પહેરવા માટે ચંપલ પણ નહોતી મળતી.”
જુઓ વીડિયો
બાબા સાહેબમાં દેખાઈ પિતાની છબી
તેમણે જણાવ્યું કે તેમના પિતા હયાત નહોતા ત્યારે તેમણે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના વિચારો સાંભળ્યા. તેમને બાબા સાહેબમાં પોતાના પિતાની છબી દેખાઈ અને તેમણે તેમને જ પોતાના માર્ગદર્શક અને પિતા સમાન માન્યા.
‘ગરીબોના સેવક’
ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે આજે તેઓ જે સ્થાને છે, ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કાંટાઓથી ભરેલો રહ્યો છે. તેમણે પોતાને ‘ગરીબોના સેવક’ ગણાવતા કહ્યું કે તેઓ ગરીબીની પીડા પુસ્તકિયા વાતોથી નહીં પણ પોતાના અનુભવથી સમજે છે. આ જ કારણ છે કે તેઓ જનતાની વચ્ચે જવા અને તેમની સમસ્યાઓ સાંભળવામાં ક્યારેય પાછળ પડતા નથી.


