PM મોદી મલેશિયાના પ્રવાસે જશે: રણનીતિક ભાગીદારીને નવી ઊંચાઈ મળશે
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 ફેબ્રુઆરી, 2026ના રોજ મલેશિયાની સત્તાવાર મુલાકાતે જશે. ભારત અને મલેશિયા વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર આ મુલાકાત લઈ રહ્યા છે.
પીએમ મોદીની આ ત્રીજી મલેશિયા મુલાકાત હશે. મહત્વની વાત એ છે કે, ઓગસ્ટ 2024માં ભારત અને મલેશિયાના સંબંધોને ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’નો દરજ્જો આપવામાં આવ્યા બાદ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને અનવર ઇબ્રાહિમ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે.
વડાપ્રધાનના આ પ્રવાસ સાથે જ 10મું ભારત-મલેશિયા CEO ફોરમ પણ યોજાવા જઈ રહ્યું છે. પીએમ મોદી ઉદ્યોગ જગતના દિગ્ગજો અને વેપારી પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત, તેઓ મલેશિયામાં વસતા ભારતીય સમુદાયના સભ્યોને પણ સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, મલેશિયામાં 29 લાખથી વધુ ભારતીયો વસે છે, જે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ભારતીય પ્રવાસી સમુદાય છે.
આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે આર્થિક સંબંધોને વધુ વેગ આપવો, સમુદ્રી સહયોગ અને સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી, નાણાકીય ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રે આદાનપ્રદાન અને ઉર્જા, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રે ભાવિ સહયોગની રૂપરેખા તૈયાર કરવી.
ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધો માત્ર આર્થિક નથી, પરંતુ ઐતિહાસિક, સભ્યતાગત અને સાંસ્કૃતિક રીતે પણ અત્યંત ગાઢ છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભુત્વ અને ‘એક્ટ ઈસ્ટ’ પોલિસી માટે પણ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.


