1. Home
  2. ગુજરાતી
  3. તાલિબાનીઓ ડ્યુરન્ડ લાઇન ઓળંગી પાક.માં ઘૂસ્યા, નૂર ખાન એરબેઝ પર ભીષણ હુમલો
તાલિબાનીઓ ડ્યુરન્ડ લાઇન ઓળંગી પાક.માં ઘૂસ્યા, નૂર ખાન એરબેઝ પર ભીષણ હુમલો

તાલિબાનીઓ ડ્યુરન્ડ લાઇન ઓળંગી પાક.માં ઘૂસ્યા, નૂર ખાન એરબેઝ પર ભીષણ હુમલો

0
Social Share

કાબુલ, 2 માર્ચ 2026: વિશ્વભરમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે ત્યારે હવે દક્ષિણ એશિયામાં પણ સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષની વચ્ચે હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલો તણાવ લોહિયાળ જંગમાં ફેરવાયો છે. સોમવારે તાલિબાન સરકારે દાવો કર્યો છે કે તેમના લડાયકોએ પાકિસ્તાનના અત્યંત સુરક્ષિત ગણાતા નૂર ખાન એરબેઝ પર સચોટ હવાઈ હુમલો કર્યો છે.

તાલિબાન સરકારના રક્ષા મંત્રાલયના ડેપ્યુટી પ્રવક્તા હમદુલ્લા ફિતરતે સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, તાલિબાન વાયુસેનાએ રાવલપિંડીના નૂર ખાન એરબેઝ ઉપરાંત બલૂચિસ્તાનના ક્વેટામાં આવેલી 12મી કોરના હેડક્વાર્ટર અને ખૈબર પખ્તુનખ્વાના મનમોહદ ક્ષેત્રના સૈન્ય કેમ્પ પર પણ સંકલિત હુમલા કર્યા છે.

તાલિબાની મંત્રીએ દાવો કર્યો છે કે તેમના લડાયકો ડ્યુરન્ડ લાઇન (સરહદ) ઓળંગીને પાકિસ્તાની સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ હુમલાના પુરાવા તરીકે વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. પોતાના સત્તાવાર નિવેદનમાં તાલિબાન પ્રવક્તાએ અરબી આયત ટાંકીને લખ્યું છે કે, “જે તમારા પર હુમલો કરે, તમે પણ તેના પર તેટલો જ વળતો પ્રહાર કરો.” આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની સૈન્યની કાર્યવાહીના જવાબમાં આ ‘સચોટ અને સંકલિત’ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

બીજી તરફ, પાકિસ્તાની સેનાએ પણ દાવો કર્યો છે. પાકિસ્તાન મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં ચાલેલી અથડામણમાં અત્યાર સુધીમાં 400થી વધુ અફઘાન લડાયકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે. જોકે, તાલિબાનના આજના હુમલાએ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચાવી દીધી છે.

છેલ્લા ચાર દિવસથી બંને દેશો વચ્ચે સતત રોકેટ મારો અને ગોળીબાર થઈ રહ્યો છે. સરહદી વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકોનું પલાયન શરૂ થઈ ગયું છે. નિષ્ણાતો માને છે કે જો આ સંઘર્ષ જલ્દી નહીં અટકે તો તે સંપૂર્ણ કક્ષાના પ્રાદેશિક યુદ્ધમાં ફેરવાઈ શકે છે.

આ પણ વાંચોઃ દૂતાવાસ પર હુમલા બાદ પાકિસ્તાનીઓના વિઝા-ગ્રીન કાર્ડ રદ કરવાની  અમેરિકામાં ઉઠી ઉગ્ર માંગણી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code