ચંદીગઢ, 6 નવેમ્બર 2026: પંજાબના રાજપુરા નજીક સરાય બંજારા પાસે ચાલતી કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રેનના ચાર ડબ્બા જોતજોતામાં આગની લપેટમાં આવી જતાં મુસાફરોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આકાશમાં કિલોમીટરો દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, લોકો પાઇલટની ત્વરિત સૂઝબૂઝ અને સમયસૂચકતાને કારણે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 12508 કર્મભૂમિ એક્સપ્રેસ બપોરે આશરે 1:10 વાગ્યે રાજપુરાથી લગભગ 15 કિલોમીટર દૂર બસંતપુરા રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એન્જિન તરફથી 5મા કોચમાં ધુમાડો નીકળતો દેખાયો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રેનને સરાય બંજારા રેલવે સ્ટેશન નજીક સરહિંદ-રાજપુરા વચ્ચે તુરંત રોકી દેવામાં આવી હતી. આગની સામાન્ય જાણ થતાં જ લોકો પાઇલટે સમયસૂચકતા વાપરીને ટ્રેનને તાત્કાલિક થંભાવી દીધી હતી. મુસાફરોએ પણ સ્થિતિની ગંભીરતા સમજીને તુરંત જ ટ્રેનમાંથી નીચે ઊતરી જઈને ડહાપણ દર્શાવ્યું હતું. રાહત અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.
આ ટ્રેન અમૃતસરથી ન્યૂ જલપાઇગુડી તરફ જઈ રહી હતી. ટ્રેન ચાલતી હતી તે સમયે જ ચાર ડબ્બામાં આગ પ્રસરી જતાં મુસાફરો આઘાતમાં સરી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ ટ્રેન બસંતપુરા રેલવે સ્ટેશન પર ઊભી રાખવામાં આવી છે અને રેલવે પ્રશાસન દ્વારા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








