જમ્મુમાં પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા પર હુમલાનો પ્રયાસ, આરોપી ઝડપાયો
જમ્મુ, 12 માર્ચ 2026: જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગ કરી તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બનતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ હુમલામાં સદનસીબે ફારૂક અબ્દુલ્લાનો આબાદ બચાવ થયો છે. બીજી તરફ સુરક્ષાકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરી હુમલાખોરને પકડી પાડ્યો હતો. દરમિયાન ફારૂક અબ્દુલ્લા ઉપર થયેલા હુમલાના પડઘા સંસદમાં પણ પડ્યાં હતા. તેમજ રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સમગ્ર ઘટના અંગે સરકારને આડેહાથ લેવાના પ્રયાસ કર્યાં હતા. આ ઉપરાંત ફારુક અબ્દુલ્લાના પુત્ર અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સમગ્ર ઘટના અંગે ચિંતા વ્યક્ત કરીને ઘટનાને હત્યાનો પ્રયાસ ગણાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડૉ. ફારૂક અબ્દુલ્લા ગ્રેટર કૈલાશના રોયલ પાર્કમાં એક વકીલના લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. તેમની સાથે જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી અને વરિષ્ઠ નેતા નાસિર અસલમ વાણી પણ હાજર હતા. જ્યારે અબ્દુલ્લા લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરે પાછળથી આવીને તેમના માથા પર બંદૂક તાણી દીધી હતી. પકડાયેલા શખ્સની ઓળખ કમલ સિંહ જમવાલ (ઉંમર 63 વર્ષ) તરીકે થઈ છે, જે જમ્મુના જૂની મંડી વિસ્તારનો રહેવાસી છે અને ત્યાં દુકાન ચલાવે છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, કમલ સિંહ છેલ્લા 20 વર્ષથી ફારૂક અબ્દુલ્લાની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો. પિતરાઈ ભાઈના દીકરાના લગ્નમાં અબ્દુલ્લા આવવાના છે તેવી ખબર પડતા જ તેણે પોતાની લાયસન્સી રિવોલ્વર સાથે હુમલો કરવાની યોજના બનાવી હતી.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટના પર આક્રોશ વ્યક્ત કરતા તેને ‘હત્યાનો પ્રયાસ’ ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “અલ્લાહની મહેરબાની છે કે મારા પિતા બચી ગયા. પરંતુ સવાલ એ છે કે, એનએસજી દ્વારા ઝેડપ્લસ સુરક્ષા મળતી હોવા છતાં એક સશસ્ત્ર વ્યક્તિ આટલો નજીક કેવી રીતે પહોંચી ગયો?” નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ પણ આને સુરક્ષામાં ભયંકર બેદરકારી ગણાવી છે. તેમણે કહ્યું કે, રોયલ પાર્ક જેવી જગ્યાએ સ્થાનિક પોલીસનો એક પણ જવાન હાજર નહોતો, જે ચિંતાનો વિષય છે.
આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા દળોએ હુમલાખોરને કસ્ટડીમાં લઈ તેની બંદૂક જપ્ત કરી લીધી છે. આસપાસના લોકોએ હુમલાખોરને પકડીને મેથીપાક પણ ચખાડ્યો હતો. હાલ સુરક્ષા એજન્સીઓ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આની પાછળ કોઈ મોટું કાવતરું છે કે કેમ.
આ પણ વાંચોઃ ઈરાને આત્મઘાતી બોટથી અમેરિકી તેલ ટેન્કર પર હુમલો કર્યો, એક ભારતીયનું મોત


