ઈરાન યુદ્ધ રોકવા એન્ટોનિયો ગુટેરેસની અમેરિકા-ઈઝરાયેલને અપીલ, વૈશ્વિક અર્થતંત્ર પર મોટા જોખમની ચેતવણી
બ્રસેલ્સ, 20 માર્ચ 2026: સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકા અને ઈઝરાયેલને ઈરાન સામેનું યુદ્ધ તાત્કાલિક ધોરણે સમાપ્ત કરવા અને લશ્કરી કાર્યવાહીના બદલે રાજદ્વારી માર્ગ અપનાવવા ભારપૂર્વક અપીલ કરી છે. બ્રસેલ્સમાં યુરોપિયન કાઉન્સિલની બેઠક દરમિયાન પત્રકારોને સંબોધતા ગુટેરેસે ચેતવણી આપી હતી કે હવે આ સંઘર્ષને રોકવાનો સમય આવી ગયો છે, અન્યથા તેના પરિણામો આખી દુનિયાએ ભોગવવા પડશે.
ગુટેરેસે જણાવ્યું હતું કે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા શરૂ કરવામાં આવેલો આ સંઘર્ષ સંપૂર્ણપણે બેકાબૂ બનવાનું જોખમ ધરાવે છે. આ યુદ્ધ માત્ર નાગરિકોને જ પીડા નથી આપી રહ્યું, પરંતુ તેની અસરો યુદ્ધના મેદાનથી ઘણી દૂર સુધી ફેલાઈ રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે, વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહેલી આડઅસર ખાસ કરીને અલ્પવિકસિત દેશો માટે અત્યંત દુઃખદ સાબિત થઈ શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “હવે સમય આવી ગયો છે કે યુદ્ધ પર મુત્સદ્દીગીરીનો વિજય થાય.”
અત્રે ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા મોટા પાયે હુમલા બાદ વૈશ્વિક શિપિંગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. ગુરુવારે યુરોપિયન ગેસ અને તેલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો:
યુરોપિયન ગેસ સપ્લાય માટેના મુખ્ય સૂચકાંક ‘ડચ TTF’ માં બજાર ખુલતાની સાથે જ 30 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ગેસના ભાવ 70.7 યુરો પ્રતિ મેગાવોટ-કલાક સુધી પહોંચ્યા હતા. યુદ્ધ પહેલા આ કિંમત માત્ર 32 યુરો હતી, જે હવે બમણી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત શરૂઆતી કારોબારમાં 116 ડોલર પ્રતિ બેરલને વટાવી ગઈ હતી.
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેની ઉર્જા સુરક્ષા પર થતી અસરોની ચર્ચા કરવા માટે યુરોપિયન યુનિયનના સભ્ય દેશોએ બ્રસેલ્સમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રાદેશિક સ્થિરતા અને યુરોપમાં વધતી જતી ઉર્જાની કિંમતો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વભરના નિષ્ણાતો માની રહ્યા છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો વૈશ્વિક અર્થતંત્ર સંપૂર્ણપણે ખોરવાઈ શકે છે.


