1. Home
  2. ગુજરાતી
  3. ઈરાનના બુશેહર પરમાણુ પ્લાન્ટ પર હવાઈ હુમલો: એક સુરક્ષા ગાર્ડનું મોત
ઈરાનના બુશેહર પરમાણુ પ્લાન્ટ પર હવાઈ હુમલો: એક સુરક્ષા ગાર્ડનું મોત

ઈરાનના બુશેહર પરમાણુ પ્લાન્ટ પર હવાઈ હુમલો: એક સુરક્ષા ગાર્ડનું મોત

0
Social Share

તેહરાન, 4 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભયાનક બની રહી છે. ઈરાનની પરમાણુ ઉર્જા એજન્સીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, દેશના અત્યંત સંવેદનશીલ એવા ‘બુશેહર પરમાણુ કેન્દ્ર’ પાસે ભયાનક હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક સુરક્ષા ગાર્ડનું મોત નીપજ્યું છે અને પ્લાન્ટની નજીકની એક ઇમારતને ભારે નુકસાન થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિશ્વમાં પરમાણુ સુરક્ષાને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે.

ઈરાની એજન્સીના નિવેદન મુજબ, ચાલુ યુદ્ધ દરમિયાન બુશેહર પરમાણુ કેન્દ્ર પર આ ચોથી વખત હુમલો થયો છે. જોકે, આ હુમલો કોણે કર્યો તે અંગે ઈરાને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. દક્ષિણ ઈરાનમાં ફારસની ખાડી પાસે આવેલું આ મથક ઈરાનનું પ્રથમ વાણિજ્યિક પરમાણુ ઉર્જા સ્ટેશન છે અને દેશના ઉર્જા ઉત્પાદન માટે કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે.

ઈરાની સમાચાર એજન્સી ‘તસ્નીમ’ના અહેવાલ મુજબ, હવાઈ હુમલામાં પ્લાન્ટના મુખ્ય ઓપરેશનલ ભાગોને કોઈ નુકસાન પહોંચ્યું નથી. પરમાણુ રિએક્ટર અને ઉત્પાદન પ્રક્રિયા હાલ સુરક્ષિત અને અવિરત હોવાનું જણાવાયું છે. તેમ છતાં, પરમાણુ મથકની આસપાસ વધતી જતી સૈન્ય ગતિવિધિઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગભરાટ ફેલાવ્યો છે, કારણ કે અહીં કોઈ પણ મોટી દુર્ઘટના પર્યાવરણીય હોનારત સર્જી શકે છે.

આ હુમલાની પૃષ્ઠભૂમિમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમેરિકી સેનાએ હજુ ઈરાનમાં જે કંઈ બચ્યું છે તેને નષ્ટ કરવાનું શરૂ પણ નથી કર્યું.” તેમણે વધુમાં ધમકી આપતા કહ્યું કે, અમેરિકા ઈરાનના બુનિયાદી માળખા, પુલો અને પાવર પ્લાન્ટ્સ પર હુમલા કરીને દેશને ફરી ‘પાષાણ યુગ’માં મોકલી દેવાની ક્ષમતા ધરાવે છે.

બુશેહર પર થયેલા આ હુમલા અને અમેરિકાના કડક વલણને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી દિવસોમાં સંઘર્ષ વધુ ઉગ્ર બની શકે છે. ફારસની ખાડીના આ મહત્વપૂર્ણ વિસ્તારમાં વધતી અસ્થિરતાને કારણે વૈશ્વિક બજાર અને ઉર્જા પુરવઠા પર પણ માઠી અસર પડવાની શક્યતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code