યુપી આતંકી કેસઃ બિજનૌરમાં AK-47ને રમકડું ગણાવનાર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સસ્પેન્ડ
લખનૌ, 6 એપ્રિલ 2026: ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ લખનઉમાં એક મોટી આતંકી સાજીશને નિષ્ફળ બનાવી રાજ્યને ભયાનક રેલ દુર્ઘટનામાંથી ઉગારી લીધું છે. જોકે, આ ઓપરેશનની સાથે જ યુપી પોલીસની અત્યંત શરમનાક બેદરકારી પણ સામે આવી છે. જે આતંકી નેટવર્કને બિજનૌર પોલીસે ગયા વર્ષે ‘ક્લીન ચીટ’ આપી કેસ બંધ કરી દીધો હતો, તે જ ગેંગના સાગરીતો લખનઉમાં સિગ્નલ સિસ્ટમ ફેઈલ કરી તબાહી મચાવવાની ફિરાકમાં હતા.
ATSએ બે દિવસ પહેલા એક ગુપ્ત ઓપરેશનમાં મેરઠના સાકિબ ઉર્ફે ડેવિલ, અરબાબ અને ગૌતમબુદ્ધ નગરના વિકાસ ઉર્ફે રૌનક તેમજ લોકેશ ઉર્ફે પપલા પંડિતની ધરપકડ કરી છે. આ ચારેય શંકાસ્પદો લખનઉ રેલવે સ્ટેશન પર વિસ્ફોટ કરવા અને સિગ્નલિંગ સિસ્ટમને ઠપ કરી ટ્રેનો અથડાવવાના પ્લાન સાથે આવ્યા હતા. પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ આખા ઓપરેશનનો માસ્ટરમાઈન્ડ દુબઈમાં બેઠેલો મેરઠનો આકિબ ખાન છે, જે પાકિસ્તાની હેન્ડલર્સ સાથે જોડાયેલો છે.
ચોંકાવનારી વાત એ છે કે, નવેમ્બર 2025માં આકિબ ખાનનો એક વીડિયો કોલ વાયરલ થયો હતો, જેમાં તે હાથમાં AK-47 અને હેન્ડ ગ્રેનેડ લહેરાવતો દેખાતો હતો. બિજનૌર પોલીસે આ અંગે FIR તો નોંધી હતી, પરંતુ તપાસ કરનાર નાંગલ સોતીના તત્કાલીન થાણાધ્યક્ષ સત્યેન્દ્ર મલિકે ભ્રષ્ટાચાર કે બેદરકારીની હદ વટાવી દીધી હતી. પોલીસ રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે, વીડિયોમાં દેખાતી AK-47 અસલમાં પ્લાસ્ટિકનું રમકડું છે અને હેન્ડ ગ્રેનેડ પરફ્યુમની શીશી છે આ રિપોર્ટના આધારે આતંકી નેટવર્કને માસૂમ ગણાવી કેસ બંધ કરી દેવાયો હતો.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ જ ગેંગના અબુઝર શમીમ રાઈને 4 માર્ચે કોમી સૌહાર્દ બગાડવા માટે ‘ઓમ’ અને ‘જય માતાજી’ લખેલા વાહનને આગ ચાંપી હતી. આ ઘટનાનો વીડિયો પાકિસ્તાન મોકલવા બદલ તેને ISI હેન્ડલર તરફથી માત્ર 5,000 રૂપિયા મળ્યા હતા. ADG (લો એન્ડ ઓર્ડર) અમિતાભ યશે જણાવ્યું કે, બિજનૌર વાળો વીડિયો કોલ જ આ આખા નેક્સસને ઓળખવા માટેની મુખ્ય કડી સાબિત થયો છે.
આ ગંભીર લાપરવાહી બહાર આવતા બિજનૌર એસપી અભિષેક ઝાએ તાત્કાલિક અસરથી દારૂગો સત્યેન્દ્ર મલિકને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે નઝીબાબાદના CO નિતેશ પ્રતાપ સિંહને મોનિટરિંગમાં નિષ્ફળ રહેવા બદલ પદ પરથી હટાવી દેવાયા છે. હાલમાં ATS ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઉંડી પૂછપરછ કરી રહી છે જેથી દુબઈ અને પાકિસ્તાન સુધી ફેલાયેલા આ આતંકી પંજાને મૂળમાંથી ઉખેડી શકાય.


